ભાવનગરના ઐતિહાસિક ગૌરીશંકર સરોવર – બોરતળાવની કરોડોના ખર્ચે કાયાપલટ બાદ વધુ આકર્ષણ અને મનોરંજન માટે ગુજરાત સરકારના ટુરિઝમ કોર્પોરેશન દ્વારા રૂ.1.91 કરોડની ગ્રાન્ટમાંથી સંગીત અને લાઇટની સાથે કાર્યરત ફુવારા – મ્યુઝિકલ ફાઉન્ટનની સુવિધા પ્રાપ્ય બની છે જેનો નજારો ભવ્ય બન્યો છે.
ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા અને રાજકોટ બાદ હવે ભાવનગરમાં આ નજરાણું જોવા મળશે. બોરતળાવ હાલ પાણીથી છલોછલ છે જયાં મ્યુઝિકલ ફાઉન્ટનનું ટેસ્ટિંગ ગત રાત્રીના કરવામાં આવ્યું તે સફળ રહ્યું હતું.
26 જાતના વિવિધ સુરો પર પાણીની ઊડતી બોછારોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું અને શોસિયલ મીડિયામાં તસવીરો અને વીડિયો ભારે વાયરલ થયા હતા. ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના તત્કાલીન મંત્રી પદના કાર્યકાળ દરમિયાન ભાવનગર માટે તેઓ આ ખાસ ગ્રાન્ટ લઈ આવ્યા હતા જેનું પરિણામ સાંપડ્યું છે.
આગામી દિવસોમાં શ્રાવણ માસના વિવિધ ધાર્મિક અને સમાજીક તહેવારો આવી રહ્યા છે ત્યારે ભાવનગરનાં નગરજનો અને સહેલાણીઓ માટે મ્યુઝિકલ ફાઉન્ટન વિશેષ આકર્ષણ બની રહેશે. -જતીન સંઘવી