કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 151 પર પહોંચી ગયો છે. 116 લોકો હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 220થી વધુ લોકો ગુમ છે. આર્મી, એરફોર્સ, SDRF અને NDRFની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્યમાં લાગેલી છે. મોડી રાત સુધીમાં 1 હજાર લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાત્રે બચાવકાર્ય અટકાવી દેવામાં આવ્યું હતું, જે સવારે ફરી શરૂ કરવામાં આવ્યું હતું.
મંગળવારે 225 આર્મી જવાનોને કન્નુરથી વાયનાડ મોકલવામાં આવ્યા હતા. બચાવ માટે એરફોર્સના બે હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા, પરંતુ વરસાદના કારણે તેમને કોઝિકોડ પરત ફરવું પડ્યું હતું. સતત વરસાદના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમનો વાયનાડ પ્રવાસ રદ્દ કર્યો છે. તેઓ બુધવારે અહીં પીડિતોને મળવા જઈ રહ્યા હતા.
દુર્ઘટના બાદ રાજ્યમાં બે દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે. 30 જુલાઈએ 12 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. કેરળ યુનિવર્સિટીએ 30 અને 31 જુલાઈના રોજ યોજાનારી તમામ પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે. બુધવારે હવામાન વિભાગે વાયનાડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ કન્નુર અને કસરાગોડ જિલ્લા સહિત 5 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર અને પલક્કડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.