પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ અને વડોદરાના અંશુમાન ગાયકવાડનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. અંશુમનની હાલત જોઈને કપિલ દેવે મદદ કરવાની પહેલ કરી હતી. કપિલે અંશુમનની મદદ માટે પોતાનું પેન્શન દાન કરવાનો નિર્ણય લીધો હતો.
મોહિન્દર અમરનાથ, સંદીપ પાટીલ, મદન લાલ અને કીર્તિ આઝાદ પણ તેમના સાથી ખેલાડીઓની મદદ માટે આગળ આવ્યા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ મદદ કરી અને અંશુમનની સારવાર માટે 1 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. અંશુમાન એક સમયે ભારતીય ક્રિકેટના ધ ગ્રેટ વોલ તરીકે ઓળખાતા હતા.
કપિલ દેવે વધુમાં કહ્યું હતું કે ‘આ એક દુ:ખદ સમાચાર છે. મને દુઃખ થાય છે, કારણ કે હું અંશુની સાથે રમ્યો છું અને તેને આ સ્થિતિમાં જોઈ શકતો નથી. આવું તો કોઈએ ભોગવવું ન જોઈએ. હું જાણું છું કે બોર્ડ તેની કાળજી લેશે.’ તેમણે એ પણ કહ્યું હતું કે ‘અમે કોઈને દબાણ કરતા નથી. અંશુ માટે કોઈપણ મદદ કરી શકો છો.’ ‘અંશુ એ વખતના ફાસ્ટ બોલર્સ સામે ઊભો રહીને રમ્યો છે. હવે સમય છે કે આપણે તેના આ કપરા સમયમાં સાથે ઊભા રહીએ. મને ખાતરી છે કે ક્રિકેટના ચાહકો મને નિરાશ નહીં કરે. તેમણે અંશુમાનની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરવી જોઈએ.