સુરતમાં હીરાનાં મોટા કારખાનાંઓમાં પહેલીવાર ઓગસ્ટમાં 10 દિવસના વેકેશનની જાહેરાત કરાઇ છે. જો કે, કંપનીઓના મતે રત્નકલાકારોને લાંબો સમય કામ મળે તે માટે વચ્ચે વચ્ચે રજા રાખવામાં આવે છે. છેલ્લાં 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે. ખાસ કરીને રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો હતો. ભારતમાંથી 60 ટકા હીરા માત્ર અમેરિકામાં એક્સપોર્ટ થાય છે.
સુરત શહેરના નાના-મોટા 400 ડાયમંડ જ્વેલરી ઉત્પાદકો પણ વિશ્વભરમાં એક્સપોર્ટ કરે છે, પરંતુ હાલ ઘણાખરા દેશોમાં મંદી હોવાને કારણે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડ ઘટી છે, જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે. હાલ કારખાનાંઓએ રજા રાખવાનું શરૂ કર્યું છે.
એક મોટી ડાયમંડ ફેક્ટરીમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 10 દિવસના વેકેશનની જાહેરાત કરી છે. ઓગસ્ટમાં 10 દિવસનું વેકેશન રાખવાની સુરતના હીરા ઉદ્યોગમાં આ પહેલી ઘટના છે. જ્યારે અન્ય ઘણી નાની ફેક્ટરીઓએ સપ્તાહમાં 2થી 3 દિવસની રજા રાખવાનું શરૂ કરી દીધું છે. દિવાળી આડે માત્ર 2 મહિનાનો સમય બાકી છે ત્યારે રજાઓ પડી જતાં રત્નકલાકારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
એક અગ્રણી હીરા વેપારીએ કહ્યું કે, હાલ ડાયમંડ માર્કેટમાં મંદી છે, જેના કારણે કારખાનેદારોની આર્થિક પરિસ્થિતિ કથળી રહી છે. કામ તો ચાલી રહ્યા છે પરંતુ નાના કારખાનાંઓમાં અઠવાડિયામાં 2થી 3 દિવસની રજા પડવાની શરૂઆત કરી દેવાઈ છે. કામ લાંબો સમય ચાલે તે માટે અઠવાડિયામાં 2થી 3 દિવસની રજા રાખવામાં આવી રહી છે.