ગુજરાત રાજયની ૧૧ સરકારી યુનિવર્સિટીઓમાં લાગુ કરેલા કોમન એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા તમામ સુધારા સાથેના સત્તાવાર ગેજેટ પર મોડેલ સ્ટેચ્યુટ્સ જાહેર કર્યા હતા. જાહેર થયેલા નોટિફિકેશન મુજબ નવા જે ફેરફાર કરવામાં આવ્યાં છે એ મુજબ તમામ સરકારી યુનિવર્સિટીઓમાં નવા બોર્ડોની સ્થાપના કરાશે. જેમાં બોર્ડ ઓફ પોસ્ટ ગ્રેજયુએશન એજયુકેશન, બોર્ડ ઓફ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ, બોર્ડ ઓફ સબ કેમ્પસ ઓફ યુનિવર્સિટી જેવા બોર્ડનો સમાવેશ થાય છે.
અગાઉ સરકાર દ્વારા કોમન એક્ટ મોડલ સ્ટેચ્યુટ્સમાં સુધારા વધારા કરવા માટે યુનિવર્સિટીઓ પાસે સૂચનો મંગાવાયા હતા. યુનિવર્સિટીઓએ મોકલેલ સૂચનોના આધારે જરૂરી ફેરફાર સાથે ગેજેટ જાહેર કરાયું છે, જે તમામ યુનિ.ઓએ હવે ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે. અત્યાર સુધી આ બોર્ડનું યુનિવર્સિટીઓમાં અસ્તિત્વ ન હતું. જોકે આ વખતે નવા બોર્ડના સભ્યોને ગ્રાન્ટ ફાળવણી, નવા અભ્યાસક્રમ બનાવવા જેવી વિવિધ સત્તાઓ પણ આપવામાં આવી છે. અગાઉના એક્ટમાં બોર્ડ તેમજ કમિટીના સભ્યોને આ સત્તા આપવામાં આવી ન હતી
જોઈન્ટ બોર્ડ ઓફ વીસીની રચના થશે
કોમન એક્ટમાં જોઈન્ટ બોર્ડ ઓફ વાઈસ ચાન્સેલરની પણ રચના કરવામાં આવી છે. જેમાં તમામ સરકારી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સામેલ હશે. તેમજ સિનિયર વાઈસ ચાન્સેલરને બોર્ડના ચેરમેન બનાવાશે. આ બોર્ડ દ્વારા યુનિવર્સિટીઓમાં નવી શિક્ષણનીતિ-૨૦૨૦ની અમલવારી, એજયુકેશન પ્રોગ્રામની ક્વોલિટી કેવી રીતે સુધારી શકાય, મોડલ સ્ટેચ્યુટ વગેરેમાં સુધારા પર ઠરાવ પાસ કરશે. જોઈન્ટ બોર્ડ ઓફ વાઈસ ચાન્સેલરની બેઠક દર બે મહિને ફરજિયાત યોજવી તેવી પણ સૂચના આપવામાં આવી છે.