ફ્રાન્સની રાજધાનીમાં આયોજિત 33મી સમર ઓલિમ્પિક ગેમ્સનું રવિવારે રંગારંગ સમારોહ સાથે સમાપન થયું. 16 દિવસ સુધી ચાલેલા ખેલ મહાકુંભમાં 206 દેશોએ 32 રમતોમાં 329 ગોલ્ડ મેડલ માટે પડકારોનો સામનો કર્યો હતો. અંતે, અમેરિકા 40 ગોલ્ડ, 44 સિલ્વર અને 42 બ્રોન્ઝ મેડલ સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું. અમેરિકાએ પેરિસ ઓલિમ્પિકમાં 126 મેડલ સાથે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. જ્યારે ચીને 40 ગોલ્ડ મેડલ જીત્યા હોવા છતાં બીજા સ્થાને સંતોષ માનવો પડ્યો હતો. ચીને 40 ગોલ્ડ, 27 સિલ્વર અને 24 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 91 મેડલ જીત્યા હતા. જ્યારે જાપાન 20 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેબલમાં ત્રીજા ક્રમે છે.
પેરિસ ઓલિમ્પિકમાં વિશ્વભરમાંથી 10,500 એથ્લેટ્સ પડકાર આપવા માટે બહાર આવ્યા હતા, જેમાં ભારતના 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીતીને મેડલ ટેબલમાં 71મા સ્થાને રહ્યા હતા. સમાપન સમારોહમાં મનુ ભાકર અને હોકી ગોલકીપર પીઆર શ્રીજેશ દ્વારા ભારતીય ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની હતી. જ્યારે શ્રીજેશે સતત બીજી વખત ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને રમતને અલવિદા કહી દીધું. સમાપન સમારોહમાં નીરજ ચોપરાને ફ્લેગ બિયરર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે શ્રીજેશનું નામ આગળ કર્યું હતું.
પેરિસના સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમમાં યોજાયેલા સમાપન સમારોહમાં હજારો દર્શકો હાજર રહ્યા હતા. સમારોહની શરૂઆત સ્ટેડિયમમાં ઓલિમ્પિક મશાલના પ્રવેશ સાથે થઈ હતી. પેરિસમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનાર ફ્રેંચ સ્વિમર લિયોન મર્ચાન્ડ ઓલિમ્પિકની મશાલ લઈને સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ સમારોહમાં સ્ટેડિયમમાં ઓલિમ્પિક રિંગની સ્થાપના અને ઓલિમ્પિક ગેમ્સની શરૂઆતને લઈને ખાસ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જેણે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ઉપરાંત ઘણા જાણીતા કલાકારોએ તેમના બેન્ડ રજૂ કર્યા હતા.
ત્રીજી વખત ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરશે લોસ એન્જલસ
કાર્યક્રમના અંતે પેરિસના મેયરે લોસ એન્જલસના મેયરને ઓલિમ્પિક ધ્વજ અર્પણ કર્યો હતો. લંડન અને પેરિસ પછી લોસ એન્જલસ વિશ્વનું ત્રીજું શહેર બનશે જે ત્રણ વખત ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરશે. 1932 અને 1984માં લોસ એન્જલસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિક ગેમ્સ 44 વર્ષ પછી લોસ એન્જલસ અને 32 વર્ષ પછી અમેરિકા પરત ફરશે. ધ્વજ હસ્તાંતરણ સમારોહ દરમિયાન અમેરિકાના પ્રખ્યાત અભિનેતા ટોમ ક્રૂઝ પણ હાજર રહ્યા હતા અને તેઓ આકાશમાંથી કૂદીને સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ધ્વજને વિમાનમાં લઈ ગયા હતા જ્યાંથી ધ્વજ સીધો લોસ એન્જલસ પહોંચ્યો હતો.