કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે આજે પણ દેશવ્યાપી હડતાળ ચાલુ છે. ડૉક્ટરોએ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પાસેથી આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન્સ (FAIMA)એ આજ (13 ઓગસ્ટ)થી દેશવ્યાપી વિરોધ અને OPD અને વૈકલ્પિક સેવાઓ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.
સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે જો પોલીસ રવિવાર સુધીમાં કેસનો ઉકેલ નહીં લાવે તો કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઘટનાથી દેશભરના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ દર્દીઓ અને પરિચારકો પરેશાન થઈ રહ્યા છે. ડોક્ટરોના આ વિરોધને કારણે દિલ્હી, યુપી, એમપી અને મહારાષ્ટ્રમાં સારવાર સંબંધિત સુવિધાઓ પ્રભાવિત થઈ છે.
આ દરમિયાન શહેરના પોલીસ કમિશ્નર વિનીત ગોયલે જણાવ્યું હતું કે તપાસ હજી પણ ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસને આ કેસમાં મહત્ત્વની કડીઓ મળી છે. આ કડીઓ બતાવે છે કે આ ગુનામાં સંજય એકલો ન હતો. કોલકાતાના પોલીસ કમિશ્નર વિનીત ગોયલે જણાવ્યું હતું કે મહિલા ડોક્ટરના રેપ અને મર્ડરના કેસમાં એક આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ અન્ય લોકોની તલાશ કરી રહ્યા છે જેનો આ ઘટના સાથે સંબંધ છે. તેમણે જણાવ્યું હતું કે અમે એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો છે, જો ડોક્ટરોને કોઈના પર પણ શંકા હોય તો તે ખાનગી રાહે જાણકારી આપી શકે છે. અમે બધા તેના કુટુંબના સંપર્કમાં છીએ.