હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છુટાછવાયા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. ગઈકાલે રાજ્યમાં 85 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.
સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢમાં અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સિઝનનો એવરેજ 71.95 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 77.44 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 87.40 ટકા, દક્ષિણ ગુજરાતમાં 86.22 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 53.85 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 56.09 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
6 દિવસ મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 6 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. હાલમાં ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેને કારણે ભારે વરસાદની શક્યતા છે, જે બે દિવસ યથાવત્ રહેશે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.