સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે 78મા સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ છે. રાજ્યકક્ષાનું પર્વ ખેડા જિલ્લાના વડામથક નડિયાદના આંગણે ઊજવાયું હતું. શહેરના કપડવંજ રોડ પર આવેલા SRP કેમ્પ ખાતે સવારે 9 કલાકે ધ્વજવંદન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહી રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતો.
રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં જવાનો દ્વારા હર્ષધ્વનિ (વોલી ફાયરિંગ) કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ વિભાગ દ્વારા રાઇફલ ડ્રિલ, મરીન કમાન્ડો ડેમો, સાંસ્કૃતિક કાર્યક્રમ, મોટરસાઇકલ સ્ટંટ શો, ડોગ શો અને હોર્સ શો જેવા કાર્યક્રમ યોજાયા હતા તેમજ હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરતાં કરતાં તિરંગો લહેરાવ્યો :રિક્ષા-વિન્ટેજ કારની રેલી
વડોદરામાં 50 સ્વિમરોએ સ્વિમિંગ કરતાં કરતાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. અમદાવાદમાં 450થી વધુ રિક્ષા, 35 વિન્ટેજ કાર અને 18 જુનવાણી બાઇક સાથે રેલી યોજાઇ હતી. જ્યારે અમદાવાદના રાજપથ ક્લબમાં ડ્રોનથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.