હિમાચલ પ્રદેશના રામપુરમાં શુક્રવારે મોડી રાત્રે વાદળ ફાટ્યું હતું. જેના કારણે તકલેચ-નોગલીમાં 30 મીટર સુધીનો રોડ ધોવાઈ ગયો હતો. મંડીમાં ભારે વરસાદને કારણે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. પૂર અને ભૂસ્ખલનને કારણે 58 રસ્તાઓ બંધ છે. આમાં NH-707 પણ સામેલ છે. ચંબા, કાંગડા, શિમલા અને સિરમૌર જિલ્લામાં પૂરનું એલર્ટ છે.
ઉત્તરપ્રદેશના કાનપુરમાં ગંગા નદી ભયજનક નિશાનથી માત્ર 1 મીટર નીચે વહી રહી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લગભગ 50 હજાર લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.
રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે જેસલમેરમાં પૂર અને પાણી ભરાયા હતા. હવામાન વિભાગે શનિવારે (17 ઓગસ્ટ)ના રોજ 21 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે.