સમોઆના બેટર ડેરિયસ વિસરે ઈતિહાસ રચી દીધો છે. વિસર T-20 ઇન્ટરનેશનલમાં 1 ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. અગાઉ T20 ઇન્ટરનેશનલમાં 1 ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સંયુક્ત રીતે યુવરાજ સિંહ, કાઇરન પોલાર્ડ, નિકોલસ પૂરન અને દીપેન્દ્ર સિંહ એરીના નામે હતો. આ તમામ બેટર્સે 1 ઓવરમાં 36 રન બનાવ્યા છે.
મંગળવારે ICC મેન્સ T20 વર્લ્ડ કપ સબ રિજનલ ઇસ્ટ એશિયા-પેસિફિક ક્વોલિફાયર A ઇવેન્ટની મેચમાં વાનુઆતુ સામે સીમર નલિન નિપિકોની બોલિંગમાં 39 રન બનાવ્યા. આ દરમિયાન વિસરે 1 ઓવરમાં 6 સિક્સર ફટકારવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. ડેરિયસ વિસરે મેચની 15મી ઓવરમાં નિપિકોને 6 સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં બોલરે દબાણમાં 3 નો-બોલ ફેંક્યા હતા. જેના કારણે ઓવરમાં કુલ 39 રન થયા હતા.
ડેરિયસ વિસરે સીમર નલિન નિપિકોની ઓવરના પહેલા 3 બોલમાં 3 સિક્સર ફટકારી હતી. જ્યારે ચોથો બોલ નો-બોલ હતો. પરંતુ આગામી બોલ પર વિસરે વધુ એક સિક્સર ફટકારી. આ પછી ઓવરનો પાંચમો બોલ ડોટ હતો. છઠ્ઠો બોલ નો-બોલ અને ડોટ હતો. જ્યારે આગળનો બોલ પણ નો-બોલ હતો, પરંતુ આ વખતે વિસરે બોલને બાઉન્ડરી લાઇનની બહાર મોકલી દીધો હતો. છેલ્લા બોલ પર પણ વિસરે ગગનચુંબી સિક્સર ફટકારી અને ઓવરમાં કુલ 39 રન બનાવ્યા.