ગુનો સાબીત થયા વિના જેલમાં કેદ અંડરટ્રાયલ ગુનેગારોની મુકિત વિશે સર્વોચ્ચ અદાલતે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે નવા ભારતીય નાગરીક સુરક્ષા સંહીતાની કલમ 479 હેઠળ પ્રથમ વખત ગુનો આચરનારા અંડરટ્રાયલ આરોપીઓ ગુનાની મહતમ સજાનો એક તૃતિયાંશ સમય જેલમાં વિતાવ્યો હોય તો તેને જેલમુકત કરવાની જોગવાઈ છે. આ જોગવાઈ પાછલી અસરથી લાગુ કરવાનો નિર્દેશ સર્વોચ્ચ અદાલતે આપ્યો છે.
સુપ્રિમ કોર્ટની જસ્ટીસ હીમા કોહલી તથા સંદિપ મહેતાની ડીવીઝન બેંચે એડીશ્નલ સોલીસીટર જનરલ ઐશ્ર્વર્યા ભાટીની વિનંતી બાદ કહ્યું કે ભારતીય નાગરીક સુરક્ષા કાયદો તાજેતરમાં અમલી બન્યો હોવા છતા તેની કલમ 479 ની જોગવાઈ તમામ અંડર ટ્રાયલ કેદીઓને લાગુ પડશે કાયદો લાગુ થયા પૂર્વે ધરપકડ કે જેલવાસ શરૂ થયો હોય તો પણ આ જોગવાઈ લાગુ થશે.સર્વોચ્ચ અદાલતે દેશભરનાં જેલ સુપ્રિન્ટેન્ડન્ટને પ્રથમ વખતના ગુનેગાર તથા મહતમ સજાની એક તૃતિયાંશ સજા કાપી લીધી હોય તેવા અંડરટ્રાયલ કેદીઓને જામીનમુકત કરવાની પ્રક્રિયા હાથ ધરવાનો આદેશ આપ્યો છે.
અદાલતે નવા કાયદાની કલમ 479 ની જોગવાઈ મુજબના માપદંડોમાં આવતા હોય તેવા પ્રથમ વખતનાં ગુનેગાર અંડર ટ્રાયલની જામીન મુકિતની અરજી પ્રક્રિયા બે માસમાં પૂર્ણ કરવા તથા રાજય સરકારના સંબંધીત વિભાગોને તેનો રિપોર્ટ કરવાની પણ સુચના આપી છે. જસ્ટીસ કોહલીએ કહ્યું તે નિયત માપદંડમાં આવતા અંડર ટ્રાયલ કેદીઓ ભલે દિવાળી પોતાના પરિવાર સાથે ઉજવે. એડીશ્નલ સોલીસીટર જનરલ ઐશ્ર્વર્યા ભાટીએ સુપ્રિમ કોર્ટને એવી પણ વિનંતી કરી હતી કે અંડર ટ્રાયલનો ગુનો ભલે પ્રથમ વખતનો ન હોય છતાં તેણે ગુનાની મહતમ સજાનો અર્ધો સમય જેલમાં વિતાવી લીધો હોય તો તેને પણ જામીનમુકત કરવા જેલ સુપ્રિન્ટેન્ડન્ટને આદેશ કરવામાં આવે. જોકે ધ્રુણાસ્પદ ક્રુર ગુનો આચર્યો હોય તો કોઈને પણ વહેલી મુકિતનો લાભ આપવામા ન આવે.
સુપ્રિમ કોર્ટે એવી સુચના આપી હતી કે બન્ને શ્રેણીનાં અંડર ટ્રાયલ કેદીઓની મુકિતનો રીપોર્ટ સંબંધીત રાજય સરકારો તથા કેન્દ્ર શાસીત પ્રદેશોનાં તંત્ર તૈયાર કરે અને બે માસમાં અદાલતમાં સ્ટેટસ રીપોર્ટ રજુ કરે આ કેસમાં વધુ સુનાવણી ઓકટોબરમાં રાખવામાં આવી છે.