કેનેડામાં રહી રહેલા વિદેશી વિદ્યાર્થીઓમાં 40% વિદ્યાર્થીઓ ઈન્ડિયાના છે. સ્ટુડન્ટ વિઝા લઈને કેનેડામાં રહેવાનું સપનું જોનારા યુવાઓને હવે ટ્રુડોની નવી ઈમિગ્રેશન પોલિસીના કારણે મોટો ઝટકો લાગ્યો છે. આ જ કારણ છે કે, પોલિસીમાં ફેરફારના કારણે 70,000થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ પર પોતાના દેશ પરત ફરવાની તલવાર લટકી રહી છે. ત્યાં વિરોધ પ્રદર્શન પણ શરૂ થઈ ગયા છે. તો આજે આપણે એ જાણીએ કે, અંતે કેનેડામાં આટલા ભારતીય વિદ્યાર્થીઓ કેમ જાય છે. આ ઉપરાંત ટ્રુડોની નવી પોલિસીના ત્યાં રહી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પર શું અસર પડશે.
નોંધનીય છે કે, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે, અમે કેનેડામાં ઓછા વેતન વાળા અસ્થાયી વિદેશી કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યા છે. લેબર માર્કેટ બદલાઈ ગયું છે. હવે અમારા કેનેડિયન કામદારો અને યુવાનોના વ્યવસાયમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે. તેમની જાહેરાત બાદ જ કેનેડામાં રહેતા ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓમાં વિરોધ શરૂ થઈ ગયો છે. નોંધનીય છે કે, જો આપણે વર્ષ 2023ની વાત કરીએ તો કેનેડામાં અત્યાર સુધીમાં 900,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે. હવે 2024ના અંત સુધીમાં 500,000 કાયમી રહેવાસીઓની સંખ્યા વધી જવાની શક્યતા હતી.
કેનેડાની સરકાર અત્યાર સુધી કહેતી આવી છે કે, ઈમિગ્રન્ટ્સને અહીં લાવવાનું એક મુખ્ય કારણ સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપવાનું છે. જો કે હવે પોલિસીમાં ફેરફાર બાદ ભારતીય વિદ્યાર્થીઓ પોતાને ઠગી લેવાયા હોય તેવું અનુભવી રહ્યા છે. ઈમિગ્રેશનનો સામનો કરી રહેલા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી મહેકદીપ સિંહે જણાવ્યું કે, મેં કેનેડા આવવા માટે છ વર્ષનું જોખમ લીધું હતું. મેં અભ્યાસ કર્યો, કામ કર્યું, લોનની ચુકવણી કરી અને કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ (CRS)માં જરૂરી પોઈન્ટ્સ પૂરા કર્યા, પરંતુ સરકારે અમારો ફાયદો ઉઠાવીને પોલિસી બદલી નાંખી છે. અમને છેતરાઈ ગયાની લાગણી થઈ રહી છે.