ગુજરાતના 73 લાખ NFSA(નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હવે રેશન લેવા જતી વખતે સસ્તા અનાજની દુકાન બંધ જોવા મળશે નહીં. સસ્તાં અનાજની દુકાનો બંધ હોવાની ફરિયાદો મળતા સરકારે આ નિર્ણય કર્યો છે. સરકારી અધિકારીઓની જેમ હવે રેશન વિતરકોએ પોતાની ગેરહાજરીમાં અન્ય કોઈને ચાર્જ સોંપવો પડશે.
આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે. વિતરકની ગેરહાજરીમાં અન્ય કઈ વ્યક્તિ દુકાન ચાલુ રાખશે તે અંગે તંત્રને માહિતગાર કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે 700 દુકાનો નોંધાઈ છે.
રાજ્યના 66 લાખ જેટલા “અગ્રતા ધરાવતા કુટુંબો”ની (પ્રાયોરિટી હાઉસ હોલ્ડ- P.H.H.) 3.23 કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને 1 કિલો બાજરી મળી પ્રતિ વ્યક્તિ કુલ 5 કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ, P.H.H. કુટુંબમાં પાંચ વ્યક્તિઓ હોય તો 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા અને 5 કિલો બાજરી મળી કુલ 25 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. રાજ્ય સરકારની યોજના હેઠળ અને N.F.S.A.-2013 હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે કાર્ડદીઠ 1 કિ.ગ્રા ચણા. રૂ.30 પ્રતિ કિ.ગ્રા.ના રાહતદરે તથા તુવેરદાળ કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.50 પ્રતિ કિ.ગ્રા.ના રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ રાજ્ય સરકારની યોજના હેઠળ N.F.S.A.-2013 હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. રૂ.1 પ્રતિ કિ.ગ્રા.ના રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.