સુરત શહેરની ટ્રાફિક સમરચાને હળવી કરવા અને નાગરિકોને સુગમતા મળી રહે તે સારૂ સુરત મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં આવેલ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.૫૩ ના ફાઈનલ પ્લોટ નં.૮૮ માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવેલ. આ અંગે ‘પે એન્ડ પાર્ક’નો કોન્ટ્રાક્ટ એ.સી.બી.ના અરજદાર/કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલ. આ ‘પે એન્ડ પાર્ક’ની સુવિધાવાની જગ્યાની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવેલ હતી. સુરત મહાનગરપાલિકાના પુણાના વોર્ડ નં. ૧૬ અને ૧૭ ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછાભાઈ કાછડીયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગીયાનાઓએ આ ‘પે એન્ડ પાર્ક’ ની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધેલ, જે દરમ્યાન તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલાનું જણાવી, તેઓ સાથે તકરાર અને બોલાચાલી કરી, આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી આપેલી.
આ અંગે કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદેસર દબાણ કરવા બાબતનું માફીપત્ર લખાવેલ અને ત્યારબાદ આ બંન્ને કોર્પોરેટરોએ જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરવામાંથી બચવુ હોય તો રૂા.૧૧ લાખ આપવા પડશે તેવી માંગણી કરેલ. આ અંગે બંન્ને કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટર સાથે રૂબરૂમાં તથા મોબાઇલ ફોન પર લાંચની માંગણી અંગેની વાતચીત કરેલી અને લંબાણપૂર્વકની રકઝકને અંતે રૂા.૧૦ લાખ આપવાનું નક્કી થયેલ. આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્રારા ઓડીયો રેકોડીંગ કરી લેવામાં આવેલ. આ વાતચીતમાં આરોપીઓ દ્રારા નાણાં શબ્દને બદલે કોર્ડવર્ડ તરીકે સાંકેતિક ભાષામાં ‘ડોક્યુમેન્ટ’ આપવાના છે તેવો શબ્દ વાપરતા હતા; જે અંગે વાતચીતમાં જ ડોક્યુમેન્ટ એટલે નાણાં એવી સ્પષ્ટતા આરોપીઓ દ્રારા કરવામાં આવેલ.
આ અંગે કોન્ટ્રાક્ટર પોતે આ લાંચના નાણાં આપવા માંગતા ન હોઈ, વાતચીતના રેકોર્ડીંગની CD સાથેની વિગતવારની અરજી એ.સી.બી.માં કરેલ. આ આધારે એ.સી.બી. દ્રારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ, જેમાં FSL માંથી સૌપ્રથમ અરજદાર કોન્ટ્રાક્ટર દ્રારા રજુ કરવામાં આવેલ CD નું ‘No-Tempering’ પ્રમાણપત્ર મેળવવામાં આવેલ. આ અંગે CD માં રેકોર્ડ થયેલ સંવાદો અવલોકને લેતા બંન્ને કોર્પોરેટર આરોપીઓ દ્વારા લાંચની માંગણી થયેલાની હકીકતને સમર્થન પ્રાપ્ત થયેલ. આ અંગે કાયદાકીય જોગવાઈઓ અનુસાર ફરિયાદી તથા આરોપીઓનું FSL ખાતે ‘વોઈસ સ્પેક્ટોગ્રાફી’ પરિક્ષણ કરાવવામાં આવેલ. આ પરિક્ષણમાં રજુ થયેલ CD માં અરજદાર/ કોન્ટ્રાક્ટર તથા આરોપીઓના જ અવાજ હોવાનું FSL દ્વારા પ્રસ્થાપિત થયેલ અને આ અંગેનું પ્રમાણપત્ર આપેલ; જેથી અરજીના આક્ષેપો એટલે કે આરોપીઓ દ્રારા કોન્ટ્રાક્ટર પાસે કરવામાં આવેલ રૂા. ૧૦ લાખની લાંચની માંગણીને તપાસ દરમ્યાન સંપૂર્ણપણે સમર્થન પ્રાપ્ત થયેલ.
આ અરજીની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરતાં મળેલ પુરાવાઓ આધારે આ બંન્ને કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછાભાઈ કાછડીયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગીયા વિરૂધ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો બનતો હોવાનું ફલીત થતા આ અંગે સુરત શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકનાઓએ સરકાર તરફે ફરિયાદી બની રૂ।.૧૦ લાખની લાંચની માંગણી અંગેનો ગુનો નોંધાવેલ છે. આ કેસનું સુપરવિઝન સુરત એકમના મદદનીશ નિયામકશ્રી આર.આર.ચોધરીનાઓ કરી રહેલ.