આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ત્રિપુરામાં વરસાદ અને પૂરને કારણે છેલ્લા 7 દિવસમાં 64 લોકોએ જીવ ગુમાવ્યા છે. આંધ્રના 17, તેલંગાણાના 16 અને ત્રિપુરાના 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્રિપુરામાં અત્યાર સુધીમાં 72 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. નાગાલેન્ડના ચુમૌકેડિમા જિલ્લાના એક ગામમાં ગઈ મોડી રાત્રે પૂર અને ભૂસ્ખલનમાં ત્રણ લોકોના મોત થયા હતા. ઘણા લોકો ગુમ છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. રાજધાની કોહિમાથી દીમાપુરને જોડતો NH-29નો એક ભાગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે.
હિમાચલમાં મંગળવારે વરસાદ બાદ 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 78 રસ્તાઓ બંધ રહ્યા હતા. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. હવામાને વાવાઝોડા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલમાં ચોમાસાની સિઝનમાં પૂર અને લેન્ડ સ્લાઇડને કારણે 153 લોકોના મોત થયા છે. આજે હવામાન વિભાગે છત્તીસગઢ અને બિહાર સહિત 19 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.