બાંટવા સરાડીયા રોડ પર શંકાસ્પદ લૂંટની ઘટના બની છે. અમદાવાદની પેઢીનાં કર્મચારીઓને કેટલાક અજાણ્યા શખ્સોએ હથિયારોનાં જોરે લૂંટી લીધા હતા. આ ઘટનામાં અંદાજે 1 કરોડથી વધુની રકમની લૂંટ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદની કલા ગોલ્ડ નામની પેઢીનાં કર્મચારીઓ જુનાગઢ કોઈ કામ અર્થે આવ્યા હતા. દરમિયાન, બાંટવા સરાડીયા રોડ નજીક કેટલાક અજાણ્યા શખ્સો હથિયારો સાથે તેમની પાસે આવ્યા હતા અને ધાકધમકી આપી હતી. આરોપીઓએ પેઢીનાં કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમની પાસેથી રોકડ અને કિંમતી દાગીનાની લૂંટ કરી ફરાર થયા હતા.
આ મામલે પેઢીનાં કાર્મચારીઓએ ત્વરિત વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસેકાર્યવાહી હાથ ધરી હતી. મામલાની ગંભીરતા જોઈ પોલીસે વિવિધ ટીમ બનાવીને અલગ-અલગ વિસ્તારમાં નાકાબંધી કરી છે. SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, લૂંટારુઓ અંદાજે 1 કરોડથી વધુની રકમની લૂંટ કરી ફરાર થયા છે. પોલીસને આ લૂંટમાં કોઈ જાણભેદુ હોવાનું આશંકા પણ છે.