સુરતના હીરાના ઉદ્યોગપતિ કનુભાઈ આસોદરિયાએ વર્ષ 2002માં આફ્રિકાના બેલ્જિયમમાંથી ત્રણ રફ ડાયમંડની ખરીદી કરી હતી. ત્યારે તેના પિતાના સપનામાં આવ્યું કે, આ રફ ડાયમંડમાં ગણેશજીની પ્રતિકૃતિ છે. ત્યારબાદ તેઓએ ડાયમંડમાં જ્યારે ધ્યાનથી જોયું તો ગણેશજીનું સ્વરૂપ દેખાતું હતું. ત્યારથી જ તેઓ આ ત્રણેય ડાયમંડ ગણેશાને પોતાની પાસે રાખે છે. ભલે આસ્થાની કિંમત ના હોય, પરંતુ તેમની પાસે આ જે ત્રણ હીરામાં ગણેશજી છે તેની લગભગ કિંમત 2200 કરોડ રૂપિયા આંતરરાષ્ટ્રીય બજારમાં થાય છે. જેમાં એક હીરો તો કોહીનૂર હીરા કરતા પણ મોટો છે. તેમજ આ હીરાની તસવીર અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસને પણ મોકલવાના છે.
સુરત શહેરના પીપલોદ વિસ્તાર ખાતે રહેતા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કનુભાઈ આસોદરિયા હીરાના વેપાર કરવા માટે આફ્રિકા સહિત અનેક રફ ડાયમંડ મંગાવે છે. તેઓ માને છે કે, જ્યારથી આ ત્રણ ડાયમંડ ગણેશા તેમની પાસે આવ્યા છે ત્યારથી તેમની પ્રગતિ ઉત્તરોત્તર વધતી ગઈ છે. કનુભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે તેમને આ દુર્લભ રફ ડાયમંડ ખરીદ્યો ત્યારે તેમના પિતાના સપનામાં ગણેશજી આવ્યા હતા અને ત્યારે જ તેમને ખબર પડી હતી કે, આ દુર્લભ રફ ડાયમંડ ગણેશજીની પ્રતિકૃતિ છે.
ગણેશજીની પ્રતિકૃતિ દેખાતા આ ગણેશ ડાયમંડને જોવા માટે અને તેના આર્શીવાદ લેવા માટે અનેક લોકો ઉત્સુક છે. હું આફ્રિકાના બેલ્જિયમથી આ ડાયમંડ ખરીદીને લાવ્યો હતો. પરંતુ અહીં આવીને ગણેશજીના સ્વરૂપ દેખાયા હતા. આ ત્રણેય ડાયમંડ અદભૂત છે. જેની કિંમત નથી. જેથી હું તેની કિંમત બતાવવા માગતો નથી. ગણેશ ચતુર્થી સમયે અમે પૂજા અર્ચના પરિવાર સાથે કરીએ છીએ અને આખું વર્ષ આ લોકરમાં હોય છે.
કનુભાઈ પાસે માત્ર એક આવો ડાયમંડ નથી કે, જેમાં ગણેશજીની પ્રતિમા દેખાતી હોય. આ ગણેશજીની મૂર્તિ રફ હીરાની છે. પ્રથમ ડાયમંડ વજન 182.3 કેરેટ છે અને 36.5 ગ્રામનો છે. અગત્યની વાત એ છે કે, કોહિનૂર હીરો 105.6 કેરેટનો હીરો છે. જ્યારે આ ગણપતિની પ્રતિમા 182 કેરેટ 53 સેન્ટની છે. જેનો આકાર કોહિનૂર હીરા કરતાં પણ મોટો છે. હીરા વેપારી આ ગણેશ ડાયમંડનું નામ ‘કરમ ગણેશા’ રાખ્યું છે. જેની લંબાઈ અઢી ઈંચ અને પહોળાઈ સવા એક ઈંચ છે. તેમજ કરમ ગણેશા ડાયમંડની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 900 કરોડ જેવી થાય છે. વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડે આ હીરાને વિશ્વના સૌથી યુનિક હીરાનો દરજ્જો આપ્યો છે.