મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદી માટેનો બહાનો કાઢી રાજકોટના જમીન મકાનના ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતાં સ્વામી સહિત 8 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. સસ્તામાં જમીન મળી શકશે અને તમને પણ પૈસા મળશે કહી ખોટા દલાલ અને ખોટા ખેડૂત ઉભા કરી રૂપિયા 3 કરોડથી વધુ પડાવ્યા હતા. જેની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં આ સ્વામીઓના સાગરિત એવા શિક્ષક લાલજી ઢોલાની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આરોપી લાલજી ઢોલા કામરેજ ખાનગી સ્કૂલમાં શિક્ષક છે અને જમીન દલાલીનું પણ કામ કરે છે. આ સાથે સ્વામીનાયારણ સંપ્રદાય પાળતો હોવાથી સ્વામીઓના સંપર્કમાં આવ્યો હતો અને છેતરપિંડીમાં સંડોવણી કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરતના સરથાણા પોલીસને બાતમી મળી હતી કે, રાજકોટના આ કેસનો એક આરોપી લાલજી ઢોલા સુરતના સરથાણા વિસ્તારમાં છે. જેથી બાતમી આધારે સરથાણા પોલીસે તાત્કાલિક પગલાં લઈને લાલજી ઢોલાને પકડી પાડ્યો હતો. લાલજી શિક્ષક છે અને આ છેતરપિંડીમાં સંડોવણી સામે આવી હતી. હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્વામી અને તેમના મળતીયાઓ કોઈપણ જમીન મકાનના ધંધાર્થીને મળી વિશ્વાસ કેળવી મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદ કરવી છે તેવું કહેતા હતા. જેમાં ખેડૂત સાથે ડીલિંગ કરવા સ્વામીના બદલે જે તે વ્યક્તિને કહેતા હતા. તેઓ ધંધાર્થીને કહેતા કે ‘જો આપ સોદો કરશો તો જમીન સસ્તી મળશે અને તે પૈકી અમુક રકમ તમને આપવામાં આવશે. બાદમાં તમારે અમને જમીન અમારા નામે કરાવી દેવી.’ અને આ સાંભળી જે તે વ્યક્તિ તેમની વાત માની લેતા હતા. આ વાતચીત થયા બાદ સ્વામીના મળતીયાઓ પૈકીના દલાલ અને ખેડૂત આવી સોદો નક્કી કરતા અને બાદમાં સાટાખત કરાવી રૂપિયા પડાવી લેતા અને ત્યારબાદ રકમ પરત આપવા અને જમીન તેમના નામે કરાવી આપવા ગલ્લા તલ્લા કરતા હતા.