નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે સુરત પેટર્નથી જ ત્રણ સગીર દ્વારા ગણપતિની મૂર્તિ પર પથ્થર ફેંકી મૂર્તિ તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં ગણપતિની સૂંઢ ખંડિત થતા તેને પરત જોડવામાં આવી હતી. તેમજ બાજુમાં આવેલા મંદિર પર લીલો ધ્વજ લગાવવામાં આવ્યો હતો.
આ અંગે પૂર્વ કચ્છના એસપી સાગર વાઘમારેએ જણાવ્યું કે, કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામમાં ગણપતિ પંડાલમાં ગણપતિની મૂર્તિ ખંડિત થવા અંગે સ્થાનિક પોલીસને જાણ થઈ હતી. જેથી પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. તેમજ બાજુમાં આવેલા નાનકડા મંદિર પર લીલો ફ્લેગ લગાવ્યો હોવાની પણ માહિતી મળી હતી. પોલીસે આ બન્ને બનાવમાં તપાસ કરી હતી. રાત્રે LCB અને SOG સહિત આખા જિલ્લાની પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. ગણપતિની મૂર્તિ ખંડિત કરવામાં ત્રણ સગીર સામેલ હતા. તેની સાથે સાથે ફ્લેગ લગાવ્યો હતો તેમાં પણ પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે.
નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે. કુલ 8 આરોપી છે અને તેમાંથી 7ની ધરપકડ કરવામાં આવી છે. સગીર પર જુવેનાઇલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ગામમાં હાલ શાંતિ છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે. કચ્છના લોકોને અપીલ છે કે, કોઈ અફવા અને વાઇરલ મેસેજ કે વીડિયો ફેલાવવા નહીં.
છેલ્લા 4 દિવસ દરમિયાન ગુજરાતમાં ચોથી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. 8 સપ્ટેમ્બરે સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો અને વડોદરામાં ગણેશોત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ ત્યાર બાદ 10 સપ્ટેમ્બરે નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ગણપતિની મૂર્તિ ખંડિત કરવાની ઘટના સામે આવી છે. તેમજ 10 સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે 11 સપ્ટેમ્બરે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમનાં ટોળાં આમને સામને આવી જતાં મામલો તંગ બન્યો હતો. આ મામલે પોલીસે 20 લોકોના નામ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી લીધી છે.