અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામમાં ગૌશાળા અને ભવ્ય મંદિર બનાવવા માટે જમીન ખરીદવાના બહાને રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી સાથે રૂા. 3.04 કરોડની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ સ્વામીનારાયણ સંપ્રદાયના ચારેય સ્વામી વિદેશ ન ભાગી જાય તે માટે લૂકઆઉટ નોટીસ ઇસ્યુ કરાવી છે.
કરોડોની છેતરપિંડીના કેસમાં સ્વામીનારાયણ સંપ્રદાયના ચારેય સ્વામી વિરુદ્ધ લુક આઉટ નોટિસ
ઇઓડબલ્યુના સૂત્રોના જણાવ્યા પ્રમાણે લૂકઆઉટ નોટીસ ઇસ્યુ કરાવવામાં આવી છે. જો કે ચારેય આરોપી સ્વામી ભારતમાં છે કે વિદેશ ભાગી ગયા છે તે વિશે કોઇ ચોક્કસ માહિતી મળતી નથી.
આ કેસમાં ઇઓડબલ્યુની ટીમે સુરત રહેતા શિક્ષક લાલજી ઢોલા, ગાંધીનગરના પીંપલેજ ગામના ભૂપેન્દ્ર પટેલ અને અરવલ્લીના લીંબ ગામના વિજયસિંહ ચૌહાણ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા છે. આ ત્રણેય આરોપીઓને ઠગાઇની રકમમાંથી કેટલી રકમ મળી તે અંગે હાલ ઇઓડબલ્યુની ટીમ તપાસ કરી રહી છે.
ત્રણ સ્વામી સામે ગુજરાતભરમાં કુલ પાંચ ગુના નોંધાયા
રાજકોટમાં જે ચાર સ્વામી સામે ગુનો નોંધાયો છે, તેમાંથી ત્રણ સ્વામી સામે ગુજરાતભરમાં કુલ પાંચ ગુના નોંધાયા છે. ઇઓડબલ્યુના સૂત્રોના જણાવ્યા પ્રમાણે માધવપ્રિય ઉર્ફે એમપી સ્વામી સામે વિરમગામ ટાઉનમાં 74.50 લાખની છેતરપિંડી અને સુરતના ઉતરાણ પોલીસ મથકમાં વ્યાજને લગતી ફરિયાદ નોંધાઇ છે જ્યારે જયકૃષ્ણસ્વામી ઉર્ફે જે.કે. સ્વામી સામે સુરતના વરાછામાં રૂા. 1.34 કરોડની છેતરપિંડી અને સુરત ક્રાઇમ બ્રાંચમાં પણ 1.34 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.આ ઉપરાંત દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દર્શનપ્રિય સ્વામી સામે આણંદમાં રૂા. 3.22 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.