સુરતની સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે જ્યારે હિંસાની ઘટના બની હતી, ત્યારે રાત્રે અચાનક જ ચોકીના નજીકના બિલ્ડિંગના આગાસી, બાલ્કની સહિત અન્ય જગ્યાઓથી પથ્થરમારાની ઘટના બનવા શરૂ થઈ હતી. ભીડ એકત્ર થઈ અને તેના 30 મિનિટમાં પથ્થરમારાની ઘટના પણ શરૂ થઈ ગઈ. ચોકીના 300 મીટરના વિસ્તારમાં ક્યાં પણ બાંધકામ કરવામાં આવી રહ્યું નથી, તો લગભગ 600થી વધુ ઈટ અને પથ્થર ગણતરીની મિનિટોમાં આ સ્થળ પર આવ્યા ક્યાંથી?
આ અંગે લાલગેટ પોલીસ તપાસ કરી રહી છે. ઘટના સ્થળ પાસેથી મળી આવેલા પથ્થર અને ઈંટોની વીડિયોગ્રાફી પોલીસે કરી છે. આટલી મોટી સંખ્યામાં પથ્થર અને ઈંટો જોઈ પોલીસ માની રહી છે કે, આ હિંસાની ઘટના સુનોયોજિત કાવતરું છે.
સૈયદપુરા પોલીસ ચોકી નજીક અચાનક જ હજારોની સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા અને ગણતરીના મિનિટોમાં અચાનક જ હિંસક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ. ગણેશ પંડાલ કે જ્યાં પથ્થરમારાની ઘટના આરોપી બાળકો દ્વારા કરવામાં આવી હતી. તે પોલીસ ચોકીથી લગભગ 200 મીટર દૂર છે. આ ઘટનાથી ઉશ્કેરાયેલા લોકો પોલીસ ચોકી આવશે, એ કોઈને ખબર નહોતી. પરંતુ જ્યારે લોકો એકત્ર થયા ત્યાં આ ઘટનાને લઇ ભારે વિરોધ શરૂ થઈ ગયો. રાજકારણીઓ એકત્ર થઈ ગયા અને તેના અડધા કલાક બાદ અચાનક જ ચારે બાજુથી પોલીસ અને લોકો ઉપર પથ્થરમારો શરૂ થઈ ગયો.
પોલીસ ચોકી નજીક પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા અલગ ટીમ બનાવીને સતત તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પોલીસને આ હિંસક પ્રવૃત્તિમાં 200 વધુ લોકોની તલાશ છે. આ તમામ લોકો પોલીસના વીડિયોગ્રાફર અને સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમની ઓળખ કરવા માટે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી રિમાન્ડ દરમિયાન પોલીસ પૂછપરછ પણ કરી રહી છે. સીસીટીવી કેમેરામાં દેખાતા આ તમામ લોકોની ઓળખ માટે પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી છે, જે સતત સીસીટીવી ફૂટેજમાંથી આ આરોપીઓની શોધખોળ અને ઓળખાણમાં લાગી છે.