બોમ્બે હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(સીબીએફસી)ને ભાજપની સાંસદ કંગના રણૌતે બનાવેલી અને તેની જ મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘ઈમર્જન્સી’ને રીલિઝ કરવા અંગે આગામી તા. પચ્ચીસમી સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લેવા આદેશ આપ્યો છે. ફિલ્મની રીલિઝ અટકાવવા બદલ સેન્સર બોર્ડને ઠપકો આપતાં હાઈકોર્ટે કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સર્જનાત્મક આઝાદીને રુંધી શકાય નહિ.
કાયદો અને વ્યવસ્થા કથળવાના ભયે સેન્સર કોઈ ફિલ્મનું સર્ટિફિકેટ અટકાવી શકે નહીં. ભાજપ દ્વારા રાજકીય કારણોસર કંગનાની ફિલ્મને અટકાવાઈ છે અને સેન્સર પર દબાણ છે તેવી આ ફિલ્મની સહ નિર્માતા કંપની અને અરજદાર ઝી સ્ટુડિયોની દલીલ ફગાવતાં હાઈકોર્ટે કહ્યું હતું કે ભાજપ પોતાના જ સાંસદની ફિલ્મને અટકાવે તે શક્ય નથી.
ફિલ્મમાં શીખ સમુદાયનું ખોટી રીતે ચિત્રણ કરવામાં આવ્યું હોવાના મુદ્દે અનેક રજૂઆતો બાદ સેન્સર બોર્ડે આ ફિલ્મનું સર્ટિફિકેટ અટકાવી દેતાં ઝી સ્ટુડિયો દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં સેન્સરને સર્ટિફિકેટ તત્કાળ જારી કરવાનો આદેશ આપવાની માંગ કરતી અરજી કરવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે તત્કાળ એવો આદેશ આપવાનો ઈન્કાર કરી સેન્સરને તેને મળેલી રજૂઆતો બાદ નિયત સમયમર્યાદામાં નિર્ણય લેવા કહ્યું હતું. આ કારણોસર આ ફિલ્મ તેની પૂર્વઘોષિત રીલિઝ ડેટ તા. છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રજૂ થઈ શકી ન હતી.
બોમ્બે હાઈકોર્ટની જસ્ટીસ બર્ગેઝ કોલાબાવાલા તથા જસ્ટીઝ ફિરદૌસ પૂનીવાલાની ડિવિઝન બેન્ચે આ અરજીની સુનાવણી હાથ ધરી હતી. ઝી સ્ટુડિયોના વકીલે એવી દલીલ કરી હતી કે હરિયાણા વિધાનસભાની ચૂંટણીના કારણે આગામી તા. પાંચમી ઓક્ટોબર પહેલાં ફિલ્મ રીલિઝ નહિ થવા દેવાનું દબાણ હોવાથી સીબીએફસી દ્વારા જાણીબૂઝીને ફિલ્મની રીલિઝ અટકાવવામાં આવી રહી છે.