દાહોદમાં ત્રણ દિવસ પહેલા વિદ્યાર્થિનીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ચોકાવનારો ખુલાસો થયો હતો.
6 વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નિકળ્યો. આચાર્ય ગોવિંદ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાનત બગાડતાં દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે, બાળકીએ બૂમાબૂમ કરતા આચર્યએ ક્રુરતાપૂર્વક માસૂમની હત્યા કરી હતી. જે બાદ પોતે જ બાળકીની લાશને ક્લાસરૂમની પાછળ ખુલ્લી જગ્યામાં મુકી દીધી હતી. પોલીસે હાલ આચાર્યની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આચાર્યએ કબુલ્યુ કે, પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યાં બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડપલાં કરતાં બાળકી બુમાબુમ કરવા લાગી હતી. જેથી બાળકીનું મોઢુ દબાવી દેતા બાળકી બેભાન થઈ ગઈ. ત્યારબાદ તેને પોતાની ગાડીની પાછળની સીટમાં મુકી શાળામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મુકી રાખી હતી. શાળા છુટ્યાં બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીની લાશને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડ દિવાલની વચ્ચે મુકી આવ્યો હતો અને તેની સ્કુલ બેગ તથા ચપ્પલ તેના વર્ગખંડ બહાર મુકી દીધા હતા.