દેશમાં મુસાફર સહિતની ટ્રેનોને ઉથલાવાના સતત થઇ રહેલા પ્રયાસોમાં હવે ભારતીય સેનાના જવાનો અને શસ્ત્રો સાથે જઇ રહેલી એક ટ્રેનના માર્ગમાં વિસ્ફોટકો ગોઠવાયા હતા અને આ રીતે આર્મીને ટ્રેનને ઉથલાવાની કોશીશ થઇ હતી. મધ્યમપ્રદેશના રતલામ પાસે બનેલી આ ઘટનામાં વિસ્ફોટકો હળવી કક્ષાના હોવાથી ટ્રેન તેની ઉપરથી પસાર થતા જ સામાન્ય વિસ્ફોટ થયો હતો અને લોકોપાયલોટે તુર્ત જ ટ્રેનને ઇમરજન્સી બ્રેકથી રોકી દીધી હતી.
આ ઘટનામાં કોઇ આર્મી જવાન કે ટ્રેનને નુકસાન થયું નથી પરંતુ છેલ્લા પાંચ સપ્તાહમાં આ પ્રકારની આઠ ઘટનાઓ બની છે અને છ ઉતરપ્રદેશમાં અને એક ગુજરાત અને મધ્યપ્રદેશમાં નોંધાઇ છે. આ અંગે આર્મી અને રેલવેએ સંયુકત તપાસ હાથ ધરી છે. તા.૧૭ ઓગષ્ટના રોજ સાબરમતી એકસપ્રેસ કાનપુર પાસે ડિરેલ થઇ હતી.સુત્રોના જણાવ્યા મુજબ આ આર્મીની ટ્રેન થિરૂવંતપુરમ ભણી જઇ રહી હતી અને તેમાં આર્મી જવાનો અને ભારે શસ્ત્રો હતા ત્યારે ભારે ફટાકડા જેવા ડિટોનર્સ ટ્રેન પર મુકાયા હતા અને ટ્રેન તેના પરથી પસાર થઇ કે તુર્ત જ વિસ્ફોટ થયા હતા.
આ ઘટના બાદ તુર્ત જ ટ્રેનને રોકી દેવાઇ હતી ૧૦ મીટરના અંતરમાં ૧૦ જેટલા ડિટોનર્સ મુકાયા હતા અને તે હવે કોઇ ત્રાસવાદી કૃત્ય છે કે કેમ તે અંગે તપાસ થઇ રહી છે.જોકે સુત્રોના જણાવ્યા મુજબ આ અંગે એક ગેંગમેનની પુછપરછ થઇ રહી છે. તે ભારે શરાબના નશામાં મળ્યો હતો. મધ્યપ્રદેશની આ ઘટનામાં એનઆઇએ અને આર્મીની તપાસ ઉપરાંત ત્રાસવાદ વિરોધી સ્કવોડ પણ જોડાઇ છે.