મહારાષ્ટ્રના બદલાપુરમાં 12-13 ઓગસ્ટે એક સ્કૂલમાં બે છોકરીઓ પર બળાત્કારનો આરોપી અક્ષય શિંદે 23 સપ્ટેમ્બરે પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે આરોપીએ પોલીસકર્મીની રિવોલ્વર છીનવી લીધી હતી જ્યારે તેને તપાસ માટે લઈ જવામાં આવી રહ્યો હતો અને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે સ્વબચાવમાં તેના પર ગોળીબાર કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, 24 વર્ષીય આરોપીની પૂર્વ પત્નીએ તેની વિરુદ્ધ FIR નોંધાવી હતી. આ કેસમાં પોલીસ તેને તપાસ માટે સાંજે સાડા પાંચ વાગ્યે તલોજા જેલમાંથી બદલાપુર લઈ ગઈ હતી. પરત ફરતી વખતે, પોલીસનું વાહન થાણેના મુંબ્રા બાયપાસ પર સાંજે 6 થી 6:15 વચ્ચે હતું. ત્યારબાદ આરોપીએ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર (API) નિલેશ મોરેની કમરમાંથી રિવોલ્વર છીનવી લીધી અને 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. જેમાં એપીઆઈ મોરેની પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ અન્ય એક પોલીસકર્મીએ આરોપી પર ગોળી ચલાવી હતી. એપીઆઈ મોરે અને શિંદેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ શિંદેને મૃત જાહેર કર્યા હતા.
જો કે, આરોપીના પરિવારે તેના એન્કાઉન્ટરનો દાવો કર્યો છે. અક્ષયની માતા અને કાકાએ કહ્યું કે આ પોલીસ અને બદલાપુર સ્કૂલ મેનેજમેન્ટનું કાવતરું છે. પોલીસે તેને જેલમાં ખૂબ માર્યો. મામલો દબાવવા માટે તેની હત્યા કરવામાં આવી હતી. અમે તેનો મૃતદેહ નહીં લઈએ.