જમ્મુ-કાશ્મીર વિધાનસભાના બીજા તબક્કા માટે આજે મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેમાંથી ત્રણ જિલ્લા જમ્મુ વિભાગમાં છે અને ત્રણ જિલ્લા ખીણમાં છે. આ તબક્કાના અગ્રણી ઉમેદવારોમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા, JKPCC પ્રમુખ તારિક હમીદ કારા અને BJP જમ્મુ અને કાશ્મીરના વડા રવિન્દર રૈનાનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં અલગતાવાદી નેતાઓ પણ મેદાનમાં છે.
જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાની ચૂંટણીના સાક્ષી બનવા માટે 16 દેશોના 20 રાજદ્વારીઓ શ્રીનગર પહોંચ્યા છે. આ તમામ શ્રીનગર તેમજ બડગામના મતદાન મથકોની મુલાકાત લેશે. તેમની મુલાકાતનું આયોજન વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. વિદેશી મહેમાનોમાં અમેરિકા, રશિયા અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ સામેલ છે. જોકે, આ યાત્રાને લઈને પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો છે. કારણ કે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી મોદી સરકાર પર નિશાન સાધી રહી છે અને પૂછે છે કે જો જમ્મુ-કાશ્મીર આંતરિક મામલો છે અને અભિન્ન અંગ છે તો વિદેશી રાજદ્વારીઓને કાશ્મીરમાં શા માટે લાવવામાં આવી રહ્યા છે.