ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે. આ અંગે, બેરુતમાં ભારતીય દૂતાવાસે બુધવારે લેબનોનમાં ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરીને તેમને તાત્કાલિક દેશ છોડવાની સલાહ આપી છે અને બેરુતમાં ભારતીય દૂતાવાસે X પર એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે, ‘આ ક્ષેત્રમાં તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને તરત જ દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે.જ્યાં સુધી આગળની સૂચના ન મળે ત્યાં સુધી લેબનોનનો પ્રવાસ ન કરવો.
લેબનોનમાં પહેલાથી જ હાજર તમામ ભારતીય નાગરિકોને પણ લેબનોન છોડવાની સલાહ આપવામાં આવી છે. જેઓ કોઈપણ કારણોસર રોકાયા છે તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ ખાસ સાવધાની રાખે, તેઓ સુરક્ષિત સ્થાન પર જતા રહે અને બેરૂતમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે.
‘ઈઝરાયલી બોમ્બ ધડાકામાં 580થી વધુ લોકોના મોત
હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને લગભગ એક વર્ષ થઈ ગયું છે અને હવે ઈઝરાયેલ ખુલ્લેઆમ હિઝબુલ્લાને નિશાન બનાવી રહ્યું છે. ગયા અઠવાડિયે પેજર હુમલાથી શરૂ થયેલો હુમલો હવે હવાઈ હુમલામાં ફેરવાઈ ગયો છે. માહિતી અનુસાર, ઇઝરાયેલની બોમ્બમારાથી લેબનોનમાં અત્યાર સુધીમાં 580થી વધુ લોકોના મોત થયા છે, જેમાં ડઝનેક બાળકો પણ સામેલ છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રીએ તેને ‘નરસંહાર’ ગણાવ્યો છે.