ઉતર ભારતના પહાડી રાજયોથી માંડીને ગુજરાત સહીત પશ્ચિમ પૂર્વનાં રાજયો સુધી ભારે વરસાદનો કહેર જારી રહ્યો છે.હિમાચલ તથા જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે. હિમાચલ પ્રદેશ તથા જમ્મુ-કાશ્મીરમાં કયાંક વરસાદ અને કયાંક હિમવર્ષા થઈ હતી. ઉતરાખંડનાં પર્વતીય ભાગોમાં વરસાદ ચાલુ રહેવા સાથે રાજયના અનેક જીલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.બિહારનાં 10 થી વધુ જીલ્લાઓમાં પુરનું સંકટ સર્જાયુ છે. અને ચેતવણી જારી કરવામાં આવી છે.
જાણકારોનાં કહેવા પ્રમાણે વર્તમાન હિમવર્ષા કૃષિક્ષેત્ર માટે જોખમ સર્જી શકે છે. કાશ્મીરનાં ગુલમર્ગમાં સીઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. આ સિવાય ગુરેજ, રાજદાન, ટાપ સિંથનટાપ સહીતનાં ઉચ્ચ પર્વતીય ભાગોમાં પણ સીઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી.શ્રીનગર તથા જમ્મુ ક્ષેત્રમાં ભારે વરસાદ વરસ્યો હતો તોફાની પવન પણ ફુંકાયો હતો. બિહારમાં 10 જીલ્લામાં પુરની ચેતવણી આપવામાં આવી છે. ભારેવ વરસાદ વચ્ચે નદીઓ ગાંડીતુર છે.
ઉતર પ્રદેશમાં પણ ભારે વરસાદનો કહેર જારી રહ્યો હતો વિજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથેના વરસાદથી લોકો ફફડયા હતા. કૃષિપાકને વ્યાપક નુકશાન થવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.
અયોઘ્યા સહીતના જીલ્લાઓનાં માર્ગો તરબોળ બન્યા હતા. અમેઠી, સુલતાનપુર, ધનપતગંજ, અલીજંગ જેવા ભાગોમાં જળબંબાકારની હાલતથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળનાં અનેક ભાગોમાં ભારે વરસાદથી સ્થિતિ વચ્ચે પર્વતીય સ્થળ દાર્જીલીંગમાં પણ લોકો પરેશાનીમાં મુકાયા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર, સહીતના રાજયોમાં પણ ભારે વરસાદની સ્થિતિ યથાવત જ રહી છે.