કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. કચ્છના ગાંધીધામના ખારી રોહર પાસેના નિર્જન વિસ્તારમાંથી એક સાથે ડ્રગ્સના 12 પેકેટ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે. દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળી આવેલા ડ્રગ્સનું વજન 12 કિલોગ્રામ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂ. 120 કરોડ આંકવામાં આવી રહી છે. અલબત્ત આટલી મોટી માત્રામાં એકજ સ્થળે અત્યાર સુધી મળેલા પેકેટોથી અલગ તરી આવતા માદક પદાર્થના પેકેટ કેવી રીતે અહીં સુધી પહોંચ્યા, કેટલા સમયથી પડતર છે તે સહિતના પ્રશ્નોના ઉકેલ માટે બી ડિવિઝન પોલીસ તપાસ કરી રહ્યાનું જાણવા મળ્યું હતું. ડ્રગ્સના પેકેટ મળ્યા છેતેના પર અંગ્રેજીમાં BLOW UP લખેલું છે.
છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં તણાઈને આવેલા ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી આવતા રહે છે. દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સના બિનવારસી પેકેટ જપ્ત કરવામાં આવતા હોય છે. ત્યારે વધુ એકવાર ગાંધીધામના ખારી રોહર પાસેથી 12 કિલો ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે. આ મામલે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાંર જણાવ્યું હતું કે ગતરાત્રિના સમયે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ખારી રોહરની હદમાં આવતા દુર્ગમ કોસ્ટલ એરિયામાં પહોંચી હતી અને ડ્રગ્સનો 12 કિલોના જથ્થાને હસ્તગત કર્યો હતો. હાલ આ જથ્થાની કિંમત રૂ. 120 કરોડ આંકવામાં આવી રહી છે. વધુ ખરાઈ માટે મળેલા પેકેટના પદાર્થના સેમ્પલ મોકલાવની કામગીરી પોલીસે હાથ ધરી છે.