દિલ્હીના મુખ્યમંત્રી આતિશીના ફ્લેગ સ્ટાફ રોડ પર આવેલા સીએમ આવાસને સીલ કરી દેવામાં આવ્યું છે. PWDએ તેમના નિવાસસ્થાનમાંથી સામાન હટાવી લીધો છે. વાસ્તવમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 4 ઓક્ટોબરે ઘર ખાલી કર્યું હતું. આતિશી બે દિવસ પહેલા જ તેમાં રહેવા આવી હતી.
PWDના અધિકારીઓ બુધવારે સવારે 11-11:30 વાગ્યે સીએમ આવાસ પર આવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે મકાન સોંપવામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આતિશી પાસે આ ઘરની ચાવી હતી, પરંતુ તેને ઘરની ફાળવણીના સત્તાવાર દસ્તાવેજો આપવામાં આવ્યા ન હતા. અધિકારીઓએ બપોર સુધીમાં ઘરની ચાવીઓ લઈ લીધી હતી. આ અંગે સીએમ ઓફિસે કહ્યું, ‘ઈતિહાસમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીને તેમનું ઘર ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. ભાજપના ઈશારે એલજીએ સીએમ આતિશીનો ઘરનો સામાન બળજબરીપૂર્વક બહાર કાઢ્યો હતો. આ સીએમ આવાસ બીજેપીના મોટા નેતાને આપવાની તૈયારી ચાલી રહી છે. ભાજપ 27 વર્ષથી દિલ્હીમાં સરકારથી બહાર છે, હવે તે સીએમ આવાસ કબજે કરવા માગે છે.