કચ્છના લખપતમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ એટલે કે આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન માતાજીની પૂજામાં કચ્છના રાજવી પરિવાર દ્વારા પતરી વિધિ કરવામાં આવે છે. પરંતું છેલ્લા કેટલાંક સમયથી કચ્છના રાજવીના બે પરિવારો વચ્ચે પતરી વિધિના અધિકાર અંગે વિવાદ સર્જાયો હતો અને બે વાર માતાજીની પતરી વિધિ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે આ વિવાદમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
માતાના મઢ ખાતે પતરી વિધિના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે કચ્છના મહારાવ હનુમંતસિંહજીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કચ્છ રાજવી સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ હનુમંતસિંહજીને સીધી લીટીના વારસદાર તરીકે હાઇકોર્ટે આશાપુરા માતાજીની પતરી વિધિનો અધિકાર આપ્યો છે. જેથી સામે પક્ષના સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના મહારાણી પ્રીતિદેવી દ્વારા નિમાયેલા સભ્યો પૂજા નહીં કરી શકે.
હાઇકોર્ટના ચુકાદા બાદ શરદબાગ પેલેસ ખાતે હનુમંતસિંહજીએ પત્રકાર પરિષદ બોલાવી હતી. તેમણે કહ્યું કે હાઇકોર્ટના આ ચુકાદાથી સત્ય જીત થઈ છે. આવતીકાલે હનુમંતસિંહજી માતાના મઢ ખાતે પતરી વિધિ માટે જશે. આ દરમિયાન સામે પક્ષના લોકો પણ હાઇકોર્ટના આદેશની અવગણના કરી પતરી વિધિ પૂજા કરશે તો તેના સામે કોર્ટના અનાદર અંગે કાર્યવાહી કરવામાં આવશે તેવી તૈયારી તેમના વકીલે બતાવી છે.
આ રીતે કરવામાં આવે છે પતરી વિધિ
આસો માસની નવરાત્રીની આઠમના રોજ રાજવી પરિવાર તરફથી મહારાવ સૂર્યોદય પહેલાં ચાચરકુંડ ખાતે ન્હાવા પધારે છે અને ત્યારબાદ ચાચરા ભવાનીના મંદીરમાં પૂજા કરે છે. બાદમાં આશાપુરા માતાજીના મંદીરમાં માતાજીનો ભુવો પતરી નામના છોડવાના પાંદડાનો ઝુમખો કરી માતાજીના જમણા ખભા ઉપર રાખે છે. જાગરીયાઓને બોલાવી ડાક તથા ઝાંઝ વગાડવામાં આવે છે અને મહારાવ પોતાની પછેડીનો ખોળો પાથરી પતરી મેળવવા માતાજીને પ્રાર્થના કરે છે, અને જ્યાં સુધી પતરી મહરાવના ખોળામાં નથી પડતી ત્યાં સુધી સતત ઊભા રહી પ્રાર્થના કરે છે.