સુરતના એક આર્ટિસ્ટ દ્વારા રતન ટાટાને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. વિપુલ જેપીવાલા દ્વારા એક રતન ટાટાનું પોર્ટ્રેટ બનાવવામાં આવ્યું છે. જેમાં 11,000 અમેરિકન ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પોર્ટ્રેટ થોડા દિવસ પહેલાં જ ત્રણ દિવસ માટે તાજ હોટલમાં મૂકવામાં આવ્યું હતું. હાલ તો આ પોર્ટ્રેટ તેમની શ્રદ્ધાંજલિરૂપ બની ગયું છે.
સુરતમાં રહેતા વિપુલ જેપીવાલા એક આર્કિટેક્ટ અને ઇન્ટીરિયર ડિઝાઇનર છે. વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા વિપુલ જેપીવાલા જણાવે છે કે, ‘ખરાબ સમય સારું શીખવાડી પણ શકે છે. લોકડાઉનના કપરા સમયમાં વિપુલભાઈએ તેમની કળાને અલગ-અલગ માધ્યમથી ચકાસી, જેમાં જરી ઉદ્યોગ માટે જાણીતા સુરતની જૂની કળાને અલગ જ રૂપ આપ્યું. જરીના માધ્યમથી બનાવેલાં પોર્ટ્રેટ ખૂબ વખણાયાં અને તેમણે માધુરી દીક્ષિત, હિમેશ રેશમિયા સહિતના કલાકારોને તેમનાં જ પોર્ટ્રેટ આપીને નામના મેળવી.
વિપુલભાઈએ ત્યાર બાદ ડાયમંડથી પોર્ટ્રેટ બનાવવાનું ચાલુ કર્યું હતું. ડાયમંડના ઉપયોગથી પહેલું પોર્ટ્રેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બનાવ્યું હતું. ત્યાર બાદ અલગ અલગ જાણીતી હસ્તીઓના પોટ્રેટ બનાવવાનું શરૂ કર્યું હતું. દરમિયાન બે મહિના પહેલાં રતન ટાટાનું પોર્ટ્રેટ શરૂ કર્યું હતું. 11,000 જેટલા અમેરિકન ડાયમંડના ઉપયોગથી આ પોર્ટ્રેટ બનાવતા 45 દિવસ થયા હતા. દસ દિવસ પહેલાં આ પોર્ટ્રેટને ટાટા ગ્રુપની તાજ હોટલની ગેલેરીમાં ત્રણ દિવસ માટે મૂકવામાં આવ્યું હતું. વિપુલભાઈએ બનાવેલું આ ડાયમંડનું રતન ટાટાનું પોર્ટ્રેટ થોડા દિવસ પહેલાં જ સુરત પરત આવ્યું હતું. દરમિયાન રતન ટાટાના નિધનના પગલે વિપુલભાઈએ આ પોર્ટ્રેટને શ્રદ્ધાંજલિ રૂપ જણાવ્યું હતું.