સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સાત વર્ષ બાદ ફરી બેઠો થયો છે. કોરોના કાળ બાદ ફરી કપડાની માગમાં વધારો થતાં રોજના અંદાજે 300 કરોડના કપડા 300 જેટલી ટ્રકો અને 20 જેટલી ટ્રેનોમાં વિવિધ રાજ્યોમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધી મંદી રહ્યાં બાદ ઓક્ટોબરની શરૂઆત થતાની સાથે જ કપડાની માગમાં ફૂલ તેજી આવતા વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. દિવાળી સુધીમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો કારોબાર 5000 કરોડને પાર કરશે, તેવું વેપારીઓ જણાવી રહ્યાં છે.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી અનેક પ્રકારનું ગ્રહણ લાગતા યોગ્ય રીતે વેપાર થતો ન હતો અને સદંતર માહોલ મંદી રહ્યો હતો. ઓક્ટોબરની શરૂઆત થતાંની સાથે જ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓના કહેવા મુજબ, એટલા મોટા પ્રમાણમાં ડિમાન્ડ છે કે માત્ર ટ્રક મારફતે રાજ્યભરની અંદર માલ પહોંચાડવું પણ મુશ્કેલ છે. દિવાળી સુધીમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો વેપાર આ વખતે 5,000 કરોડ કરતાં પણ ઉપર જાય તેવી પૂર્ણ શક્યતાઓ છે. હાલની માગને લઈને અત્યારથી જ વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ટેક્સટાઇલ ઉદ્યોગ એ સૌથી વધુ રોજગારી આપનાર ઉદ્યોગો પૈકીનો એક છે. જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર દિવાળીનો માહોલ સારો સર્જાતો હોય છે, ત્યારે અન્ય તેનાથી સંકળાયેલા ધંધામાં પણ સારી એવી તેજી આવે છે અને રોજગારી પણ સારી મળી જાય છે.
સુરતમાંથી દર દિવાળી વખતે મોટી સંખ્યામાં રાજ્યભરના અલગ-અલગ જિલ્લાઓમાં કપડા જાય છે. સામાન્ય રીતે સુરતથી ટ્રાન્સપોર્ટમાં અલગ-અલગ રાજ્યમાં ટ્રકો થકી જ કાપડ પહોંચાડવામાં આવે છે, પરંતુ આ વખતે ટ્રેનોનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. રેલવે વિભાગના મુંબઈ, વલસાડ અને સુરતના કોમર્શિયલ અધિકારીઓની ટીમ અને કાપડ વેપારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે, ટ્રાન્સપોર્ટ માટે રેલવે તરફથી ટ્રેન ફાળવવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ ત્રણ ટ્રેન 33 ડબ્બાની અલગ-અલગ રાજ્યમાં મોકલવામાં આવે છે અને આગામી દિવાળી સુધીમાં 19 જેટલી ટ્રેનો દોડાવવામાં આવશે. 22 ટ્રકની અંદર જેટલો માલ ભરાય છે, તેટલો એક જ ટ્રેનમાં જાય છે, તેને કારણે ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ ઘટે છે અને સમય પણ બચી રહ્યો છે.