નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી લઈને વડાપ્રધાન તરીકેના નેતૃત્વ સુધી, ગુજરાત અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી બન્યું છે. છેલ્લા 23 વર્ષમાં ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં હરણફાળ ભરીને આજે એક અગ્રેસર રાજ્ય તરીકેની ઓળખ બનાવી છે. ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જેમાં રિન્યુએબલ એનર્જી એટલે કે પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે થયેલી કામગીરી ખરેખર નોંધનીય છે. આજે રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યું છે.
રાજ્યએ વીજ ઉત્પાદનની કુલ 52,424 મેગાવોટની સ્થાપિત ક્ષમતા હાંસલ કરી છે.જેમાં 50%થી વધુ એટલે કે 25,472 મેગાવોટ પુન:પ્રાપ્ય સ્ત્રોતોમાંથી આવે છે. ગુજરાત આ સીમાચિહ્ન સુધી પહોંચનારું પ્રથમ રાજ્ય બન્યું છે, જે ભારતમાં સ્વચ્છ, ટકાઉ ઊર્જાને પ્રોત્સાહન આપવામાં રાજ્યના અસરકારક નેતૃત્વને પ્રદર્શિત કરે છે.
માર્ચ 2023ના આંકડા પર નજર નાખીએ તો, ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતા 45,912 મેગાવોટ હતી, જેમાં પુન:પ્રાપ્ય ઊર્જાનો ફાળો 19,435 મેગાવોટ હતો. 2024 સુધીમાં આ ક્ષમતામાં 6,512 મેગાવોટનો વધારો થયો છે, જેમાં 6,036 મેગાવોટ પુન:પ્રાપ્ય સ્ત્રોતોમાંથી આવે છે. આ નોંધપાત્ર વધારો સ્વચ્છ ઊર્જા માટે ગુજરાતની અડગ પ્રતિબદ્ધતા અને ભારતના વ્યાપક સસ્ટેનેબિલિટી મિશનમાં તેના નેતૃત્વને દર્શાવે છે. આ નોંધપાત્ર પરિવર્તન રાતોરાત નથી આવ્યું. ગુજરાતે ભવિષ્યને ધ્યાનમાં રાખીને સૌર, પવન, અને હાઈબ્રિડ એનર્જી પ્રોજેક્ટ્સમાં મોટા પાયે રોકાણ કર્યું છે. ગુજરાત એ રાજ્ય છે જેણે સતત ઇનોવેશનને પ્રોત્સાહન આપ્યું છે, નીતિને અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે તેમજ જાહેર અને ખાનગી બંને ક્ષેત્રની ભાગીદારી સુનિશ્ચિત કરીને અન્ય રાજ્યો માટે એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
નવીનીકરણીય ઊર્જા માટે પ્રતિબદ્ધતા દર્શાવીને ગુજરાત ટકાઉ ભવિષ્યને સુરક્ષિત કરવા માગે છે. પુન:પ્રાપ્ય ઊર્જાની લાંબા ગાળાની ક્ષમતાનો વિચાર કરીને રાજ્યએ પહેલાંથી જ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ્સમાં 43,450 કરોડનું રોકાણ કર્યું છે, જે પરંપરાગત વીજ ઉત્પાદનમાં રોકાણ કરવામાં આવેલા 28,864 કરોડ કરતાં વધુ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2028 સુધી લંબાવવામાં આવી છે, જે વૃદ્ધિને વધારે વેગ આપશે તેવી અપેક્ષા છે. આ પોલિસી નવીન રિન્યુએબલ એનર્જી ઉકેલોનું સમર્થન કરે છે, જેમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન, ફ્લોટિંગ સોલાર ફામ્ર્સ અને કેનાલ-ટોપ સોલાર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ગુજરાત પાસે 1600 કિમી લાંબો દરિયાકિનારો અને પુષ્કળ સૂર્યપ્રકાશ જેવા ભૌગોલિક ફાયદા હોવાના કારણે તે પુન:પ્રાપ્ય ઊર્જાની મહત્તમ ક્ષમતાનો ઉપયોગ કરી શકે છે.
ગુજરાતે પુન:પ્રાપ્ય ઊર્જાની જરૂરિયાત અને ફાયદાઓને ધ્યાનમાં રાખીને આગામી વર્ષોમાં 7,130 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઉમેરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ગુજરાત સૌર, પવન અને હાઇબ્રિડ એનર્જી પ્રોજેક્ટ્સ દ્વારા પર્યાવરણીય ફૂટપ્રિન્ટ ઘટાડીને પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનમાં વધારો થાય એની ખાતરી કરશે. ભારતની રિન્યુએબલ એનર્જી ક્રાંતિમાં અગ્રેસર બનેલું ગુજરાત સ્વચ્છ ઊર્જા અપનાવવા બાબતે વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. મોઢેરા સોલાર વિલેજ, ચારણકા સોલાર પાર્ક અને આગામી ઓફશોર વિન્ડ ફાર્મ્સ જેવી નવીનતમ પરિયોજનાઓ દ્વારા ગુજરાત એ દર્શાવી રહ્યું છે કે, કેવી રીતે દૂરંદેશી નીતિઓ અને વ્યૂહાત્મક રોકાણો ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે.