વડોદરા શહેરમાં નવરાત્રિના બીજા નોરતાની રાત્રે ગરબા રમવા નીકળેલી સગીરા ઉપર ભાયલી ગામની સીમમાં સામુહિક દુષ્કર્મ આચરનાર આરોપીઓ સામે સોમવારે (21 ઓક્ટોબરે) જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે 6000 જેટલા પાનાની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં રજૂ કરી હતી. નરાધમોને વહેલામાં વહેલી તકે કડક સજા થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા માત્ર 17 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે. જેમાં ત્રણેય નરાધમો સામે 100 સાક્ષીના નિવેદનો, FSL અને મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવા રજૂ કરાયા છે.
ધારાશાસ્ત્રી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, 17 દિવસની કવાયત બાદ આજે ભાયલી સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓ સામે અંદાજે 6000 પાનાની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં દાખલ કરી દેવામાં આવી છે. આ ચાર્જશીટમા 100 જેટલા સાક્ષીઓના નિવેદનો, એફ એસ એલ રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ પુરાવા આરોપીઓને સજા અપાવવા પુરતા છે. આરોપીઓને વહેલામાં વહેલી તકે સજા મળે તેવા અમારા પ્રયાસો હશે.
શહેરના છેવાડે આવેલા ભાયલી- બીલ ટીપી રોડ ઉપર નવરાત્રિના બીજા નોરતે સગીર મિત્ર સાથે બેસવા માટે ગયેલી સગીરા ઉપર બે બાઇક ઉપર આવેલા 5 શખસોમાંથી 3 હવસખોરોએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચાવી મૂકી હતી. દરમિયાન આ ગેંગરેપ કેસમાં વડોદરા શહેર- જિલ્લા પોલીસ દ્વારા નરાધમોને ઝડપી પાડવા માટે આકાશ પાતાળ એક કરી દીધાં હતાં. દરમિયાન શહેર ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલા 5 નરાધમો મુમતાઝ ઉર્ફ આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, શાહરૂખ કિસ્મતઅલી બનજારા તેમજ સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરી હતી. આ ઘટનાની તપાસ માટે બનાવવામાં આવેલી સીટના હવાલે કર્યા હતા.