મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધન (ભાજપ, શિવસેના અને એનસીપી) વચ્ચે બેઠકોનો મુદ્દો ઉકેલાઈ ગયો છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે, મહાયુતિએ રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી 278 પર ઉમેદવારોની ટિકિટોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હાજરી આપ્યા પછી ગુરુવારે નાગપુર એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું કે બાકીની 10 બેઠકો પર નિર્ણય આગામી થોડા દિવસોમાં લેવામાં આવશે. તેમણે કહ્યું, ‘બેઠક સકારાત્મક રહી. માત્ર 10 બેઠકો બાકી છે, જેના પર હજુ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યું નથી, તેના પર પણ એક-બે દિવસમાં ચર્ચા કરીને કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં આવશે. શુક્રવાર પછી ભાજપની બીજી યાદી જાહેર થશે, આજની બેઠક સકારાત્મક રહી હતી.
મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. પરિણામ 23 નવેમ્બરના રોજ જાહેર થશે, ગત ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, NCPને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. જોકે ચૂંટણી પછી શિવસેના NDAથી અલગ થઈ ગઈ અને NCP- કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા.