હૈદરાબાદમાં એક સ્ટ્રીટ વેન્ડરના મોમોઝ ખાવાથી એક મહિલાનું મોત થયું હતું. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે બંજારા હિલ્સ વિસ્તારની રહેવાસી 33 વર્ષીય રેશમા બેગમ અને તેના બે બાળકોએ 25 ઓક્ટોબરે ખૈરતાબાદમાં મોમોસ સ્ટોલમાંથી મોમોઝ ખાધા હતા.થોડીવાર પછી, ત્રણેયને ઝાડા-ઉલ્ટી અને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. 27 ઓક્ટોબરે રેશ્માનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેના બાળકો હજુ સારવાર હેઠળ છે. રેશ્મા સિંગલ મધર હતી. તેના બાળકોની ઉંમર 12 વર્ષ અને 14 વર્ષ છે.
NDTVના અહેવાલ મુજબ, આ જ મોમોઝ સ્ટોલના લીધે 20 અન્ય લોકોને પણ ફૂડ પોઈઝનિંગ થયું હતું. પોલીસે જણાવ્યું કે આ 20 કેસમાંથી મંગળવારે 15 કેસમાં ફરિયાદ નોંધાઈ હતી. રેશ્મા બેગમના પરિવારની ફરિયાદ નોંધાયા બાદ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ અને પોલીસે મોમોઝનો સ્ટોલ ચલાવતા બે લોકોની અટકાયત કરી છે. પોલીસે કેસ નોંધ્યો અને કહ્યું કે વેન્ડર્સ પાસે ફૂડ સેફ્ટી લાઇસન્સ નથી.
પોલીસે જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે મોમોઝ બનાવવા માટે વપરાતો લોટ કોઈપણ પેકિંગ વગર રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યો હતો. તેણે સ્વચ્છતા પણ જાળવી ન હતી. ફ્રિજનો દરવાજો પણ તુટી ગયો હતો, જેના કારણે લોટને તાજો રાખવા માટે જરૂરી તાપમાન ફ્રીજમાં જાળવી શકાયું ન હતું. પોલીસે જણાવ્યું કે વિક્રેતા પાસેથી અલગ-અલગ સેમ્પલ લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે મોમોઝમાં શું ઉમેરવામાં આવ્યું હતું જેના કારણે ફૂડ પોઈઝનિંગ થયું હતું.