આજે સવારે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાયગઢના કિલ્લાની પ્રતિકૃતિના સાંનિધ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પણ એકતા છે. તેને બનાવવા માટે, ખેતરોમાં વપરાતા ઓજારોમાંથી લોખંડ દેશના ખેડૂતો પાસેથી લાવવામાં આવ્યું હતું, કારણ કે સરદાર સાહેબ એક ખેડૂત પુત્ર હતા.
વડાપ્રધાનએ કહ્યું, આજે કેવડિયામાં મીની ઈન્ડિયાની ઝલક જોવા મળી. 15 ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસની ઉજવણીની જેમ આજે 31મી ઓક્ટબરે અહીં ઉજવણી કરવામાં આવી. આજે બે સંગમ બન્યા છે, એક રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને બીજું દિવાળીના પાવન પર્વ. કેવડિયાથી PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. દિવાળીનો તહેવાર ભારતને વિશ્વ સાથે જોડી રહ્યો છે. ઘણા દેશોમાં તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. હું દેશ અને દુનિયામાં વસતા ભારતીયો અને શુભચિંતકોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ વખતે એકતા દિવસ અન્ય કારણોસર ખાસ છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ આજથી શરૂ થઈ રહી છે. દેશભરમાં 2 વર્ષ સુધી સરદાર પટેલની 150મી જન્મ જંયતી ઉજવાશે. આ તેમના અસાધારણ યોગદાનને શ્રદ્ધાંજલિ છે. આનાથી એક ભારત, શ્રેષ્ઠ ભારતનો અમારો સંકલ્પ મજબૂત થશે.
પીએમ મોદીએ કહ્યું- જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે દુનિયામાં કેટલાક એવા લોકો હતા જે ભારતના વિઘટનનું આકલન કરી રહ્યા હતા. સેંકડો રજવાડાઓને એક કરીને એક ભારતનું નિર્માણ થશે એવી તેમને કોઈ આશા નહોતી, પણ સરદાર સાહેબે કરી બતાવ્યું. આ શક્ય બન્યું કારણ કે સરદાર સાહેબ વર્તનમાં વાસ્તવિક, સંકલ્પમાં સત્યવાદી, કાર્યમાં માનવતાવાદી અને ધ્યેયમાં રાષ્ટ્રવાદી હતા.