ભારતમાં ચોમાસા બાદ શિયાળાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતવાસીઓને ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળો શરૂ થયો હોય તેવો અનુભવ ઓક્ટોબર મહિના દરમિયાન થયો છે. ઓક્ટોબર મહિનાના પહેલા અને બીજા સપ્તાહમાં વિવિધ સિસ્ટમને કારણે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. ત્યારબાદના બે સપ્તાહ દરમિયાન ખૂબ જ વધુ માત્રામાં ગરમી અને બફારાનું અનુભવ થયો હતો, જેથી ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળાની શરૂઆત થઈ હોય તેમ ગુજરાતવાસીઓને અનુભવ રહ્યો હતો.
ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ ગુજરાત રાજ્ય માટે આગાહી કરવામાં આવી હતી કે, 2024ના ઓક્ટોબરમાં ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ અને સામાન્ય કરતાં વધુ ગરમી રહેવાની શક્યતાઓ છે અને તે પ્રકારે જ રાજ્યમાં વાતાવરણ નોંધાયું હતું. રાજ્યભરના તમામ જિલ્લાઓનું વાતાવરણ છેલ્લા સપ્તાહમાં શુષ્ક થયું હતું. સૂર્યના સીધા કિરણો ધરતી ઉપર પડતા અત્યંત ભારે ગરમીનો અનુભવ થયો હતો. જેને કારણે આ વર્ષે ઓક્ટોબરની ગરમી અમદાવાદ શહેરના છેલ્લા 15 વર્ષના રેકોર્ડ તોડ્યા છે. 2010થી આજ દિન સુધી ઓક્ટોબર મહિનાનું લઘુત્તમ તાપમાન સૌથી વધુ રહ્યું છે.
અમદાવાદ શહેરમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ ઉનાળા જેવી ગરમીનો અનુભવ થયો છે અને આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવો અનુભવ ઓક્ટોબર મહિનામાં અમદાવાદીઓને થયો છે. સામાન્ય રીતે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ઓક્ટોબર મહિનામાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 36થી 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હોય છે, જ્યાં આ વર્ષે મહત્તમ તાપમાન તો સામાન્ય રહ્યું હતું. એટલે કે 36થી 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જ રહ્યું હતું. તેમ છતાં ઓક્ટોબર મહિનાના અંતમાં કેટલાક દિવસોમાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું. તેમ છતાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ગરમીનું પ્રમાણ 39 ડિગ્રીથી વધુ રહ્યું નથી, પરંતુ અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન આ વર્ષે છેલ્લા 15 વર્ષના રેકોર્ડ તોડ્યા છે. કારણ કે, ઓક્ટોબર મહિનામાં સામાન્ય રીતે પાછલા પખવાડિયામાં અમદાવાદ શહેરનું સામાન્ય લઘુત્તમ તાપમાન 19થી 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે, પરંતુ આ વર્ષે લઘુત્તમ તાપમાન 24ડિગ્રીને પાર રહ્યું હતું. એટલે કે જ્યારે લઘુત્તમ તાપમાન વધુ રહેતું હોય ત્યારે દિવસ દરમિયાન વહેલી સવારથી જ ગરમીનો અનુભવ રહે છે.