18મી લોકસભાનું પ્રથમ શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ મંગળવારે આ માહિતી આપી હતી. સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. તેમાં વન નેશન-વન ઇલેક્શન અને વકફ બિલ સહિત અનેક બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ પણ પસાર થઈ શકે છે.
18મી લોકસભાનું પ્રથમ ચોમાસુ સત્ર 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. અંદાજે 115 કલાક સુધી ચાલેલા સમગ્ર સત્રમાં કુલ 15 બેઠકો યોજાઈ હતી. સત્ર દરમિયાન ગૃહની ઉત્પાદકતા 136% હતી. આ જ સત્રમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે 23 જુલાઈએ ગૃહમાં કેન્દ્રીય બજેટ 2024-2025 રજૂ કર્યું હતું. આ ચર્ચા કુલ 27 કલાક અને 19 મિનિટ સુધી ચાલી હતી, જેમાં 181 સભ્યોએ ભાગ લીધો હતો. સત્રમાં કુલ 65 ખાનગી સભ્યોના બિલ પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ સિવાય લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ સત્ર દરમિયાન દેશના ઘણા ભાગોમાં ભૂસ્ખલન, પૂર અને જાનમાલના નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઓલિમ્પિક માટે ભારતની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.