બાંગ્લાદેશમાં સતા પરિવર્તન બાદ અહી લઘુમતી હિન્દુ સમુદાય પર સતત વધી રહેલા હુમલા અને આ સમુદાયની સતામણીમાં હવે આ દેશની પોલીસ પણ હિન્દુઓને ટાર્ગેટ કરવા લાગી છે. બાંગ્લાદેશના પોર્ટ શહેર ચિતાગોંગમાં ઈસ્લામીક કટ્ટરવાદી જૂથ જમાત-એ-ઈસ્લામીએ સ્થાનિક ઈસ્કોન મંદિર અને હિન્દુ ધર્મ અંગે ઉશ્કેરણીજનક પોસ્ટ સોશ્યલ મીડીયામાં મુકી હતી જેનો વિરોધ કરી રહેલા હિન્દુ સમુદાય પર પોલીસ તૂટી પડી હતી.
ચિતગોંગના હઝારાગલીમાં આવેલા આ મંદિર અને અહી વસતા હિન્દુ સમુદાય વિરોધી પોસ્ટ મુકનાર જમાત-એ-ઈસ્લામ સામે કામ લેવાને બદલે પોલીસે હિન્દુઓને ટાર્ગેટ બનાવ્યા હતા. ગત તા.5ના રોજ અહી વસતા હિન્દુ સમુદાય સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલી પોસ્ટ સામે વિરોધ કરી રહ્યો હતો. અહીના ઈસ્કોન મંદિર અને હિન્દુ સમુદાય વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ સંબંધી તનાવ સર્જાયો હતો. પોસ્ટના વિરોધમાં હિન્દુ સમુદાય અહી એક્ત્ર થયો હતો અને તેની સામે અહીના સ્થાનિક સમુદાય પણ બહાર આવતા બન્ને સમુદાય વચ્ચે અથડામણ થઈ હતી અને બાદમાં પોલીસ ઉપરાંત બાંગ્લાદેશ સેનાને પણ ઉતારવામાં આવી હતી અને એકતરફી પગલાએ હિન્દુ સમુદાય પર બળપ્રયોગ કર્યા અને હવામાં ગોળીબાર પણ કર્યા હતા. પોલીસના દાવા મુજબ દેખાવકારોએ પોલીસ પર પત્થરમારો કરતા નવ પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. જેમાં હવે 582 લોકો સામે ફરિયાદ દાખલ કરીને 49ની ધરપકડ કરવામાં આવી છે.