રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ ફરી એક વખત ભારતની પ્રશંસા કરી છે અને ભારતને મહાન દેશ ગણાવવાની સાથે જણાવ્યું છે કે તેને મહાશકિત કહેવું જોઇએ. પુતિને અગાઉ પણ વૈશ્વિક તાકાતમાં ભારતની ભૂમિકા મહત્વનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે તેની આર્થિક પ્રગતિ અને તેની વિશેષતા ધ્યાનમાં રાખીને તેને વૈશ્વિક મહાશકિતઓની યાદીમાં સ્થાન મળવું જોઇએ. તેઓ રશિયાના સોચી શહેરમાં એક કલબમાં આયોજિત કાર્યક્રમમાં વૈશ્વિક સંબંધો અંગે બોલી રહ્યા હતા.
તેમણે કહ્યું કે અમે ભારત સાથે અનેક ક્ષેત્રોમાં સંબંધો મજબુત બનાવી રહ્યા છીએ. આર્થિક વિકાસમાં મોટી અવ્યવસ્થામાં ભારત સૌથી ઝડપી આગળ વધી રહ્યું છે અને તેની જીડીપી 7.4 ટકાના દરે વધે છે. છેક સોવિયત સંઘના સમયથી રશિયા અને ભારતના સંબંધો મજબુત છે અને સોવિયત સંઘે ભારતની આઝાદીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પુતિને જણાવ્યું કે રક્ષા ક્ષેત્રમાં બંને દેશોના સહયોગ વધી રહ્યો છે.
ભારતીય સૈન્ય પાસે અનેક રશિયન હથિયારો મોજુદ છે અને તેનાથી જ બંને દેશો વચ્ચે જે વિશ્ર્વાસનું વાતાવરણ છે તે બની રહ્યું છે. અમે ફકત ભારતને હથિયારો વેંચતા નથી પરંતુ સાથે રહીને બંનેએ બ્રહ્મોસ મિશાઇલ તૈયાર કર્યુ છે જે ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાની મોસ્કોચા નદીના નામ જોડીને બ્રહ્મોસ નામ આપવામાં આવ્યું છે. ભારત અને રશિયા મિશાઇલ નિર્માણમાં સાથે આગળ વધી રહ્યા છે.