અમેરિકામાંફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. રવિવારે અલાબામાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ભયંકર ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 16 લોકો ઘાયલ થયા હતા. શૂટરની ધરપકડ કરવામાં આવી છે. અલાબામ કાયદા અમલીકરણ એજન્સીએ કહ્યું કે, મોન્ટગોમરીના જેક્વેઝ માયરિક(25)ને પરિસરમાં ગોળીબાર કર્યા બાદ કેમ્પસની બહારથી જ અરેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેની પાસે મશીનગન સાથે એક હેન્ડગન મળી આવી છે.
એજન્સીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માયરિક ઉપર મશીનગન રાખવાનો ગંભીર આરોપ છે. તે યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે કે નહીં તે જણાવવામાં આવ્યું નથી, જ્યાં રવિવારે વહેલી સવારે ગોળીબાર થયો. અધિકારીઓએ કહ્યું કે મૃત્યુ પામનાર 18 વર્ષનો યુવક યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો નહીં, પરંતુ ઘાયલોમાં અનેક વિદ્યાર્થી યુનિવર્સિટીનાં જ હતા.
રાજ્યની એજન્સીએ અગાઉ કહ્યું હતું કે 12 લોકો ગોળીબારનો ભોગ બન્યા હતા, અને અન્ય ચાર ઘાયલ થયા હતા. એફબીઆઈ તેની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે તેઓ લોકો પાસેથી માહિતી એકઠી કરી રહ્યા છે. જેના માટે તેમણે ઘટના સ્થળના વીડિયો અપલોડ કરવા માટે એક ઓનલાઇન સાઇટ બનાવી છે. ટસ્કેગી યુનિવર્સિટીએ ઘોષણા કરી છે કે આજે બધા જ ક્લાસ બંધ રહેશે. આ શૂટિંગ તે સમયે થયું જ્યારે ઐતિહાસિક રીતે બ્લેક યુનિવર્સિટીનું 100મું હોમકમિંગ વીક પૂરું થઈ રહ્યું હતું. શાળાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટી માતા-પિતાને માહિતી આપી રહી છે.