જૂનાગઢમાં તા. 12 નવેમ્બરથી અને કારતક સુદ અગિયારસથી શરૂ થઈ રહેલી લીલી પરિક્રમાની તમામ તૈયારીને હવે આખરી ઓપ આપી દેવાયો છે. ગયા વર્ષે બાળકી પર દીપડાએ કરેલા હુમલાની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે આ વખતે વનતંત્રએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. ભવનાથ, જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી આ 4 સ્થળ સિવાય અન્યત્ર રાત્રિરોકાણ પર પ્રતિબંધ છે.
ગિરનારમાં વસતા 56 સિંહ અને 50 થી વધુ દીપડાને પરિક્રમાના રૂટથી સતત 4 દિવસ સુધી દૂર રાખવાનું કામ કરવા માટે 6 એસીએફ, 24 આરએફઓ, 76 ફોરેસ્ટર સહિત 350થી વધુ વન કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. આના માટે ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને દેવભૂમિ દ્વારકાના કર્મચારીઓને જોડવામાં આવ્યા છે.
ગિરનારની લીલી પરિક્રમાના રૂટ પરથી હિંસક પ્રાણીઓને દૂર રાખવાના પૂરતા પ્રયાસો છતા ક્યારેક વન કર્મીઓને ચકમો આપીને કોઈ પશુ આ તરફ આવી જાય તો તેના માટે પ્રથમ વાર 36 કિલોમીટરના સમગ્ર રૂટ પર 20 રાવટી અને 20 પાંજરા મુકાયા છે. ટ્રાન્કવિલાઈઝર ગન અને વેટરનરી ડોક્ટર્સની ટીમ તેમજ સાસણથી સ્પેશિયલ ટ્રેકરની ટુકડી પણ 24 કલાક કાર્યરત રાખવાનો નિર્ણય વન તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.