ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 બેઠકો તેમજ 10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકો અને કેરળની વાયનાડ લોકસભા બેઠક માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થયું છે. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. પરિણામ 23મી નવેમ્બરે આવશે.
કેરળની વાયનાડ લોકસભા સીટ પર કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રા અને ભાજપના નવ્યા હરિદાસ અને ડાબેરીઓ સત્યન મોકેરી વચ્ચે મુકાબલો છે.30 ઓક્ટોબરે, સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ના બંને ઉમેદવારોને સિક્કિમની બે બેઠકો પર બિનહરીફ વિજય જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે અહીં મતદાન થયું નથી.
રાહુલ ગાંધીએ આ સીટ છોડીને રાયબરેલી સીટ પસંદ કરી હોવાના કારણે વાયનાડ લોકસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ છે. તેમણે રાયબરેલી અને વાયનાડ એમ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી હતી. તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અહીંથી કોંગ્રેસના ઉમેદવાર છે. રાજ્યમાં કોંગ્રેસનું યુડીએફ ગઠબંધન છે. ભાજપ તરફથી નવ્યા હરિદાસ અને ડાબેરી ગઠબંધન એલડીએફ તરફથી સત્યન મોકેરી ચૂંટણી મેદાનમાં છે.
10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકોમાંથી, લોકસભા ચૂંટણીમાં 28 ધારાસભ્યો સાંસદ બન્યા, 2ના મૃત્યુ અને 1ના પક્ષપલટાને કારણે પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેમાંથી 4 બેઠકો SC અને 6 બેઠકો ST માટે અનામત છે. વિપક્ષે 31માંથી 18 બેઠકો જીતી હતી. જેમાંથી એકલા કોંગ્રેસને 9 બેઠકો મળી હતી. જ્યારે NDAને 11 બેઠકો મળી હતી. જેમાંથી 7 ધારાસભ્યો ભાજપના હતા. 2 ધારાસભ્યો અન્ય પક્ષોના હતા.