મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આમાં તે ગુસ્સામાં જોવા મળે છે અને કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયમાં જતા જોવા મળે છે. આ દરમિયાન તે કહે છે…’શું તમે લોકો આવું શીખવો છો?’
PTIના અહેવાલ મુજબ શિંદે 11 નવેમ્બરની મોડી રાત્રે પોતાના કાફલા સાથે સાકીનાકા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સંતોષ કટકે નામના યુવકે શિંદેને કાળો ઝંડો બતાવ્યો અને તેમને દેશદ્રોહી કહ્યા. તેમજ તેમના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મંત્રી નસીમ ખાનના ચૂંટણી કાર્યાલયની બહાર બની હતી, જેનો કોઈએ વીડિયો બનાવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, સંતોષ કટકેને સુરક્ષાકર્મીઓએ કસ્ટડીમાં લઈ પોલીસને હવાલે કર્યો હતો. જોકે બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો.
દરમિયાન મંગળવારે સંતોષ કટકે તેના પિતા સાથે ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી પહોંચ્યો હતો. અહીં બંનેનું ઉદ્ધવ ઠાકરેએ સ્વાગત કર્યું હતું. બંનેએ શિવસેના (UBT)નું સભ્યપદ લીધું. સંતોષે મીડિયાને જણાવ્યું કે, એકનાથ શિંદેને જોતાની સાથે જ તે ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં આ વાત કહી.