શનિવારે સવારે પણ દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ ખતરનાક સ્તરે નોંધાયું હતું. દિલ્હીના 10થી વધુ સ્ટેશનો પર સવારે 7 વાગ્યે AQI 400+ નોંધાયો હતો. જહાંગીરપુરીમાં AQI સૌથી વધુ 445 પર પહોંચ્યો હતો. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી આતિશીએ સરકારી ઓફિસો માટે સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારની ઓફિસો સવારે 9 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી, દિલ્હી સરકારની ઓફિસો સવારે 10 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી અને એમસીડી ઓફિસો સવારે 8:30થી સાંજે 5 વાગ્યા સુધી કામ કરશે.
દિલ્હીની તમામ પ્રાથમિક (ધોરણ 5 સુધી) સ્કૂલોમાં ઓનલાઈન વર્ગો ચલાવવાની જાહેરાત શુક્રવારે જ કરવામાં આવી હતી. હવે ધોરણ 6 થી 12 સુધીની સ્કૂલો માટે પણ માસ્ક ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે લોકોને પોતાના વાહનો ન ચલાવવાની અપીલ કરી છે. આ માટે 106 વધારાની ક્લસ્ટર બસો અને મેટ્રોની 60 વધુ ટ્રીપો વધારવામાં આવી છે. એર કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ NCR એટલે કે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી આવતી બસોને દિલ્હી આવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.