ડિજિટલ અરેસ્ટના ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે 17,000 થી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ જારી કર્યો છે. આમાંના મોટા ભાગના નંબરો કંબોડિયા, મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડથી એક્ટિવ હતા.
દેશભરમાં સાયબર ગઠિયાઓ લોકોને ઠગવાના અને તેમની પાસેથી પડાવવા માટે નવા-નવા પેંતરા અજમાવે છે. આજકાલ દેશમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે, એમાં પણ ડિજિટલ અરેસ્ટના કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી કે. ત્યારે સાયબર ફ્રોડ પર લગામ લગાવવા માટે સરકારે મોટી કાર્યવાહી કરી છે. ડિજિટલ અરેસ્ટ ફ્રોડ પર મોટી કાર્યવાહી કરતા સરકારે 17000 થી વધુ વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરી દીધા છે.
ગૃહ મંત્રાલય (MHA)ની સાયબર ફ્રોડ કંટ્રોલ વિંગ I4Cના નિર્દેશો પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આમાંના મોટાભાગના વોટ્સએપ નંબર કંબોડિયા, મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડથી એક્ટિવ હતા. વિદેશોના નંબરોનો ઉપયોગ કરીને WhatsApp દ્વારા લોકોને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવવામાં આવી રહ્યા હતા અને તેમની સાથે મોટી છેતરપિંડી કરવામાં આવી રહી હતી.
છેલ્લા કેટલાક મહિનામાં ડિજિટલ અરેસ્ટના કારણે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સાયબર ફ્રોડ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ડિજિટલ અરેસ્ટની ફરિયાદોના આધારે આ કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. ફરિયાદ મળ્યા પછી, I4C એ Meta ના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ WhatsAppને આ એકાઉન્ટ્સ સામે પગલાં લેવા કહ્યું. અપરાધીઓ કંબોડિયા, મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડ જેવા દેશોના નકલી પોલીસ ઓફિસર તરીકે ઓળખ આપીને છેતરપિંડી કરતા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે આવા કૌભાંડો દ્વારા ભેગા કરાયેલા પૈસાને દુબઈ અને વિયેતનામના એટીએમમાંથી ઉપાડવામાં આવે છે. કંબોડિયા, મ્યાનમાર અને વિયેતનામ સ્થિત સાયબર ગુનેગારો તેમના એજન્ટોની મદદથી ભારતીય સિમ કાર્ડ મંગાવે છે. લગભગ 45,000 સિમ કાર્ડ કંબોડિયા અને મ્યાનમાર મોકલવામાં આવ્યા હતા. બાદમાં ભારતીય એજન્સીઓએ આ સિમકાર્ડને તોડી દીધા હતા.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્કેમર્સ પીડિતોને ડરાવવા માટે સીબીઆઈ એજન્ટ, આવકવેરા અધિકારીઓ અથવા કસ્ટમ એજન્ટ તરીકે બતાવીને તેમની સાથે વાત કરતા હતા. આ પછી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓના નકલી આરોપો લગાવીને લોકો પર મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે દબાણ કરવામાં આવે છે. આ રીતે કરવામાં આવતા ફ્રોડનું પ્રમાણ આશ્ચર્યજનક છે.
શું છે ડિજિટલ અરેસ્ટ?
ઇન્ટરનેટની દુનિયામાં સાયબર ફ્રોડની આ એક નવી પદ્ધતિ છે, જેમાં સ્કેમર્સ સીબીઆઈ, ઈડી, ઈન્કમટેક્સ ઓફિસર અથવા કોઈ મોટી એજન્સીના અધિકારીઓ બનીને પહેલા લોકોને ડરાવે છે અને પછી તેમની સાથે છેતરપિંડી કરે છે. આ માટે, સ્કેમર્સ સોશિયલ એન્જિનિયરિંગનો સહારો લે છે, જેથી લોકોને વિશ્વાસ આવી જાય કે ફોન કરનાર ખરેખર એક અધિકારી છે. બદનામીના ડરથી લોકો આ કૌભાંડીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દે છે.