પોલીસે રિકવર કરેલો મુદામાલ અરજદારોને સોંપવાનો કાર્યક્રમ આજે ગાંધીનગર ખાતે યોજાયો હતો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત 430 અરજદારોને મોબાઈલ પરત આપવામાં આવ્યાં હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમજ કહ્યું હતું કે, પોલીસ કર્મીઓને આપેલો ડંડો છૂટથી વાપરવો જ જોઈએ, ગુનેગાર જે ભાષા સમજે તે ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ઘણા લોકોને આજકાલ વરઘોડાથી ઘણો વાંધો છે, ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના સામાન્ય નાગરિકોને જો કોઈ ટપોરી દ્વારા હેરાન પરેશાન કરવામાં આવશે તો તેના વરઘોડા તો જરૂરથી નિકળશે. આમ તેમ દોડવાની ઘણી આદતો હોય પરંતુ પોલીસ જોડે પાલો પડે તો ચાલવાની તકલીફ પડવી જ જોઈ. રાજ્યના નાગરિકની શાંતિ, સલામતી અને સુરક્ષા એ પોલીસની જવાબદારી છે.
તેમજ પોલીસને ટકોર કરતા કહ્યું કે, સામાન્ય નાગરિક પ્રત્યે પોલીસ દ્વારા વ્યવહારિક રીતે વર્તન થાય તે પણ ખૂબ જરૂરી છે. રાજ્યના સામાન્ય નાગરિકો જ્યારે પોતાની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન આવે ત્યારે તેમના માન સન્માનની જવાબદારી પણ સૌ પોલીસ કર્મીઓની છે. પણ ગુનેગાર મહેમાન બની જલસા ન કરે એ પણ આપણે સતર્ક બનીને જોવાનું છે. કોઈ ગુનેગાર પોલીસ સ્ટેશનમાં આવે અને મહેમાનગતિ કરવામાં આવે તેવી પરિસ્થિતિ DGP સુધી ન પહોંચે તેની ચિંતા કરજો.






